જેને વિશ્વાસઘાત સમજતી રહી આખી જિંદગી, એ જ નીકળ્યો હૃદયના ધબકારાનો સાચો હકદાર

સોર્સ : gstv
દીપકે સહેજ મલકાતાં કહ્યું, 'આરતી, તારા તને મારા તનને નથી મોહ્યું. આમેય તનની સુંદરતાના મોહને 'પ્રેમ' ન કહેવાય. એ તો માત્ર અલ્પજીવી આકર્ષણ છે. ઉંમર વધવા સાથે રૂપની રોનક ઘટવાથી જ એ આકર્ષણ ઓસરી જાય છે. એ ખેંચાણમાં ચિરંજીવ સ્થિરતા ક્યાં હોય છે? મનનું સૌંદર્ય જ અડગ અને અફર રહે છે. તેને ક્યારેય કાટ લાગતો નથી કે તે કદાપિ જર્જરિત થતું નથી.'
દૂર દૂર સુધી એનાં કોઇ પગલાં કે પગરવ નહોતાં, છતાં તેણે ઘરની સીમાઓને સજાવી રાખી. એ આવશે નહીં એ નક્કી જ હતું. છતાં પોતાના હૈયાથી એ વાત તેણે છાની રાખી. એના આગમનના અણસાર માત્રથી રોમેરોમ રણઝણી ઊઠતું અને એના પ્રથમ સ્પર્શની યાદ આવતાં જ બત્રીસે કોઠે દીવા ઝગમગી ઉઠતા.
કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વરસમાં બહારગામથી આવેલા દીપક સાથેની પહેલી મુલાકાતે આરતીના અંતરમાં આત્મીયતાની એવી રોશની રેલાવી દીધી હતી કે તેની જીવનનૈયાને મંઝિલ મળી ગયાનો, રણમાં ઝરણ ફૂટી નીકળ્યાનો પળેપળ અહેસાસ થતો હતો.
દીપક અને આરતીના અભ્યાસક્રમ તો એકસરખા હતા. પરંતુ બહારગામની કોલેજમાંથી તે પહેલીવાર મુંબઇ આવ્યો હોઇ થોડીક તકલીફ પડતી હતી. આથી પ્રોફેસરોએ દીપકને જરૂર પડે ત્યારે ક્લાસમાં આરતીની મદદ લેવાની સલાહ આપી હતી. એટલે સ્વાભાવિક રીતે જ બન્ને એકબીજાને આકર્ષવાના કશા પ્રયાસ વગર નિકટ આવી ગયા હતા.
પરંતુ પછી તેમનું સાંનિધ્ય કેવળ નોટ્સની આપ-લે કરવા પૂરતું કે લાઇબ્રેરીમાં સાથે વાંચવા પૂરતું સીમિત ન રહેતાં બપોરે કેન્ટિનમાં અને સાંજે પાર્કમાં હરવાફરવા સુધી ફેલાઇ ગયું. બન્ને એકમેકની વધુ સમીપ આવતાં ગયાં.
દીપકના હૈયામાં શ્યામવર્ણી આરતીએ કેવળ એક સુંદર, સુશીલ અને મિલનસાર સહાધ્યાયી કે મિત્ર તરીકે સ્થાન ગ્રહણ કરી લીધું એટલું જ નહીં, પરંતુ આ હકીકત દીપકે સૌ કોલેજિયનો સમક્ષ જાહેરમાં પ્રગટ પણ કરી દીધી. પરિણામે કેટલાક દોસ્તો દીપકને બૈજુ બાવરો કે પાગલ પ્રેમી કહેવા લાગ્યા. તેને દૂરથી આવતો જોઇ ઘણીવાર તેના ક્લાસના જુવાનિયા એવી કોમેન્ટ કરતા કે 'જુઓ, આજનો મજનૂ આવી રહ્યો છે.'
જેમ-જેમ દિવસો અને મહિના વીતતા ગયા તેમ-તેમ બન્નેનો પ્રેમ વધુ ને વધુ નીખરવા લાગ્યો. આરતીને ખાતરી થઈ ગઈ કે દીપકનો પ્રેમ દીવાની નિર્મળ જ્યોતસમો શુદ્ધ છે. તેમાં સ્વાર્થ, પ્રપંચ કે સહાનુભૂતિની ભેળસેળ નથી. એક દિવસ આરતીએ દીપકને પૂછી પણ લીધું, 'મને એક વાત કહો દીપુ, તમે મારામાં એવું તે શું જોયું? મારી પાસે રૂપ કે રંગની કોઇ મોહની તો નથી.'
દીપકે સહેજ મલકાતાં કહ્યું, 'આરતી, તું મન-મોહિની છો, તન-મોહિની નથી. તારા મને મારું મન મોહી લીધું છે. તારા તને મારા તનને નથી મોહ્યું. આમેય તનની સુંદરતાના મોહને 'પ્રેમ' ન કહેવાય. એ તો માત્ર અલ્પજીવી આકર્ષણ છે. ઉંમર વધવા સાથે રૂપની રોનક ઘટવાથી જ એ આકર્ષણ ઓસરી જાય છે. એ ખેંચાણમાં ચિરંજીવ સ્થિરતા ક્યાં હોય છે? મનનું સૌંદર્ય જ અડગ અને અફર રહે છે. તેને ક્યારેય કાટ લાગતો નથી કે તે કદાપિ જર્જરિત થતું નથી.'
દીપકના આ શબ્દો સાંભળીને આરતી તો મીરાંની માફક તેના આ 'ગિરધારી'ને અવાચક બની એકીટશે તાકી જ રહી. આટલો 'ગ્રેટ' છે મારો આ પ્રેમી! 'યુઝ એન્ડ થ્રો' જેવા સંબંધોની આ સદીમાં પ્રેમની આ પરિભાષા આપનારા દિવ્ય પુરુષે આરતીની દુનિયા જ બદલી નાખી.
જેની તલાશ માટે તે સદા તડપતી હતી, તે જાણે સામે ચાલીને તેની નજર આગળ હાજરાહજૂર થઇ ગયું હતું. હવે તેને પોતાની રૂપની ઉણપનો કોઇ વસવસો થતો નહોતો. દર્પણ સામે ઊભી રહેતાં નીલિમાનાં નાજુક નેણ-નાક, મનીષાની મરોડદાર ગરદન, સુનિતાના પાતળા હોઠ કે કુસુમની વેધક આંખો… કોઇ તેને ચીડવી શકે તેમ નહોતાં. પોતાનું પૂરું વ્યક્તિત્વ તેને અત્મવિશ્વાસથી ભરપૂર અને કશુંક કરી દેખાડવાના સંકલ્પથી સભર લાગતું હતું.
પોતાની સંકુચિત માનસિકતા અને કિશોર વયના કુંઠિત ખ્યાલો પર તેને હસવું આવ્યું. સ્કૂલના દિવસોમાં તેની કેવી ધાક હતી. દસમામાં બોર્ડમાં તે પ્રથમ આવી હતી અને બારમામાં આખા રાજ્યમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ હતી. છોકરા-છોકરીઓનું ઝુંડ હંમેશાં તેની આસપાસ ઘેરાયેલું રહેતું. કોઇ છોકરાને તે છેડછાડ માટે વઢી શકી નહોતી. કોઇ પણ છોકરા સાથે તેનું નામ જોડાયું નહીં અને શરમથી તેના ગાલ લાલ ન થયા. આવું સતત વિચારતાં તેના મનમાં એક પ્રકારની હીનતા-ગ્રંથિ બંધાઈ ગઈ હતી.
પરંતુ આ દરમિયાન તે સફળતાનાં શિખરો સર કરવા લાગી હતી. તેના ઘરનો ઓરડો ટ્રોફી, શીલ્ડ અને મેડલોથી ભરાઈ ગયો. જોકે તેના વોર્ડરોબમાં માત્ર સફેદ અને બ્લુ રંગના ડ્રેસ હતા અને ડ્રેસિંગ ટેબલ પર બે બંગડીઓ અને એક ડાયમંડનું નંગ. આ સિવાય તેની જિંદગી એકદમ બેરંગ હતી.
એમબીએમાં ડિસ્ટિંક્શન મેળવ્યા બાદ તેને બેંગલોરની એક મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા પગારની નોકરી મળી ગઈ. દીપક પણ યોગાનુયોગે એક કંપનીમાં જોડાયો પણ કંપનીના કામસર એને બે વર્ષ અમેરિકા જવું પડયું. તે જવા માગતો નહોતો. પરંતુ આરતીની જીદ હતી કે તેણે ઉજ્જવલ ભવિષ્ય ખાતર જવું જ જોઈએ. અને 'તું ગમે તે હાલતમાં મારી રાહ જોજે. હું પાછો આવીશ પછી આપણે તરત પરણી જઇશું.' એવું વચન આપીને તે ઉપડી ગયો.
શરૂઆતમાં અમેરિકાથી નિયમિત તેના ભાવુક પત્રો આવતા રહ્યા. બન્ને જણ ઇન્ટરનેટ પર કલાકો સુધી ચેટિંગ કરતાં. 'તારા હસ્તાક્ષર પર હાથ મૂકતાવેંત મને તારા સ્પર્શનો સુખદ અનુભવ થાય છે. પત્રો લખવાનું બંધ નહીં કરતી, આરતી.' એવું દીપક કહેતો. તેના આ સમર્પિત પ્રેમને કારણે આરતી પોતાને વિશ્વસુંદરી સમજવા લાગી હતી.
પણ પ્રેમના એ ટહુકાનો ગુંજારવ ધીમે-ધીમે આરતીના જીવનબાગમાં મંદ પડવા લાગ્યો. દીપકના પત્રો વચ્ચેનો સમયગાળો વધી ગયો. લાગણીની ચાસણીમાં ગળાડૂબ શબ્દો પણ ખૂટી પડયા. 'હું મજામાં છું. તું કેમ છે?' એવાં ઔપચારિક-અરસિક વાક્યો જ રહી ગયાં. પછી જાતે પત્ર લખવાનું તો દૂર, આરતીના પત્રોના જવાબ આપવાનું પણ દીપકે માંડી વાળ્યું. પોતાનું ઇ-મેલ એડ્રેસ બદલાવીને સંપર્કનાં તમામ સૂત્રો તેણે તોડી નાખ્યાં.
'મને ખબર છે કે તું મારાથી નારાજ છો. પણ હું શું કરું? અહીંની ઝંઝટોમાંથી જરાક મોકળાશ મળશે કે તરત તને વિગતવાર પત્ર લખીશ' જેવા જવાબથી આરતીને મન મનાવવું પડતું.
અકળાયેલી આરતીએ માત્ર નોકરી જ નહીં, શહેર પણ છોડી દીધું. પોતાની જિંદગીની કિતાબમાંથી 'દીપક' નામનું પ્રકરણ જ જાણે ફાડી નાખ્યું હોય એમ રહેવા લાગી. તેને દીપકનો અહેસાન-ઉપકાર નહોતો જોઇતો. વળી તે દીપકને જબરજસ્તીથી કોઇ ભાવુક બંધનમાં પણ બાંધવા નહોતી માગતી. તે સમજી ગઈ કે દીપકને અમેરિકામાં જરૂર 'બીજી' કોઇ 'આરતી' મળી ગઈ છે.
તેને પોતાની બાલિશતા પર ગુસ્સો આવ્યો કે 'પુરુષ ગમે તેવો હોય, પણ છેવટે તમારા જેવો ચંચળ હોય છે' એ સત્ય તે અગાઉ કેમ સમજી ન શકી? સ્ત્રીનું આંતરિક સોંદર્ય પુરુષના દિમાગને પ્રભાવિત કરી શકે. પરંતુ 'દિલને' ન કરી શકે. જીવનમાં પ્રેમ સબકુછ નથી. એ સિવાય ઘણુંબધું કરવા જેવું હોય છે.
આજે કોઇ મજનૂ કાળી લયલા પાછળ કાયમ ઘેલો નથી થતો. સંસારમાં લયલાઓ તો ઘણી છે. પરંતુ મજનૂ જોવા નથી મળતા. પુરુષના મોઢે બોલાયેલા લાગણીવશ શબ્દોને અટલ-અફર માની લેનારી સ્ત્રીઓના ભાગ્યમાં 'તડપવાનું' જ લખ્યું છે. આવા મનોમંથનમાં આરતી આખી રાત જાગતી રહેતી અને પડખાં બદલતી રહેતી.
થોડાક દિવસો બાદ તેની સહેલીઓ પણ આરતીને ટોણા મારવા લાગી.શું થયું તારા અમર પ્રેમનું? તારો આત્મવિશ્વાસ આટલો પોકળ કેમ પુરવાર થયો?
આરતીએ થોડીક મૂંઝવણ અનુભવી. પણ પછી એનો અસલી મિજાજ પ્રગટ થયો. તેણે સંકલ્પ કર્યો કે હવે કોઇ રાવ-ફરિયાદ નહીં કરવાની. ઝંઝાવાતો સામે ઝિંદાદિલીથી ઝઝૂમી લેવું. દીપક પ્રત્યે પણ કોઇ કટુતા કે દ્વેષ નહીં રાખવાનો. મનોમન તેણે આ નિષ્ઠૂર પ્રેમીને માફ કરતાં કહ્યું : જાઓ દીપક, તમારા સાચા પ્યાર સાથે તમે જ્યાં હો ત્યાં ખુશ રહેજો. આરતી તમને ક્ષમા કરે છે.
આરતીએ હવે તન-મનપૂર્વક કામમાં ચિત્ત પરોવ્યું. તેનાં મમ્મી-પપ્પા પણ ખુશ થયાં કે તેમની એકમાત્ર પુત્રી નિરાશાના અંધકારમાંથી હેમખેમ બહાર આવી ગઈ છે અને મા-બાપની ખૂબ કાળજી રાખે છે. અમે તેનું પાલન-પોષણ કર્યું એના કરતાંય તે આ ઉંમરે અમારું ધ્યાન રાખીને કેટલી સેવા કરે છે! અને તે પણ દીકરીના અવતારમાં છતાં તેમને વસવસો રહેતો કે આરતી કેટલી એકલી પડી ગઈ છે? અમારા ગયા પછી એનું શું થશે?
પણ આરતી મક્કમ હતી. લગ્નના અનેક માગાં ઠુકરાવીને એણે આજીવન અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો હતો. એકવાર તેણે તેના પપ્પાને પ્રશ્ન કર્યો કે 'શું સ્ત્રીના જીવનની પૂર્ણતા લગ્ન અને સંતાનપ્રાપ્તિમાં જ સમાયેલી છે?'
પપ્પાએ લાચારીથી કહ્યું, 'એવું તો નથી, બેટા, પરંતુ સમાજમાં એનુંય કોઇક મૂલ્ય તો છેને?'
જોકે આરતી માટેની મમ્મીની ફિકર-ચિંતા તેમના ચહેરા પર અંકિત થઇ જતી. મમ્મીએ આરતી માટે મસાલેદાર ચા બનાવી અને એને સીધો સવાલ કર્યો, 'બેટા, શું ખરેખર દીપકે તારો વિશ્વાસઘાત કર્યો છે? તારું મન ભલે માનતું હોય, પણ મારું મન એ વાત માનવા તૈયાર નથી.'
માના આ અચાનક અને વેધક સવાલથી આરતી હચમચી ગઈ. છતાં ચહેરા પર ફિક્કું સ્મિત વેરતાં બોલી, 'હું ક્યાં કહું છું કે તેણે વિશ્વાસઘાત કર્યો? પણ ૨૦-૨૧ની ઉંમરે જિંદગીની પરખ કેટલી હોય? હું પણ લાગણીનાં વહેણમાં વહી ગઈ અને દીપક પણ તણાઈ ગયો. મારાથી દૂર ગયો, દુનિયાદારી જોઇ અને જિંદગીનો સાચો નિર્ણય લઈ લીધો. એમાં એનો કોઇ દોષ નથી.'
'પણ છતાં એકવાર એને મોકો તો આપવો…' મા બોલવા જતી હતી ત્યાંજ આરતીએ ઊભાં થતાં કહ્યું, 'ના મમ્મી. તે એનઆરઆઇ બની ત્યાં જ વસી ગયો છે. તે સંપૂર્ણ જીવન જીવી રહ્યો છે.'
પછી તે બીજા કામમાં પરોવાઇ ગઈ.
માને દુ:ખ થયું કે તેણે દીકરીની દુખતી રગ પર જ હાથ મૂકી દીધો હતો.
આમ ને આમ બાર વરસ વીતી ગયાં. લગ્ન નહીં કરવાની આરતીની મક્કમતા સાથે માબાપે પણ સમાધાન કરી લીધું.
એવામાં એક દિવસ કોર્પોરેટ વર્લ્ડની એક કોન્ફરન્સ યોજાઇ. તેની બધી વ્યવસ્થા આરતીને સોંપાઇ હતી. વિદેશી પ્રતિનિધિ મંડળ આવવાનું હતું. મહેમાનોની સરભરાની દોડધામમાં આરતી વ્યસ્ત હતી ત્યાં અચાનક પાછળથી કોઇકે તેનો જમણો હાથ જોરથી દબાવ્યો અને તે ચોંકી ગઈ. 'નોનસેન્સ, વોટ ઇઝ ધિસ?' એટલું બોલતાં તેણે જેવું મોં ફેરવ્યું કે તરત તેના મોંમાંથી દબાતા સ્વરે બોલાઇ ગયું, 'અરે! દીપક, તમે?'
'હા, હું' એમ કહેતાં દીપક તેને ખેંચીને એક ખૂણામાં લઇ ગયો. એકાદ મિનિટ વાત કરીને તે ચૂપચાપ જતો રહ્યો.
કોન્ફરન્સની કાર્યવાહી પતાવીને આરતી સીધી ઘરે પહોંચી. મમ્મી-પપ્પાને કહ્યું, 'આજે તે મને મળ્યો હતો. તેનો ફોન નથી આવ્યોને?'
'ના. કોઇ ફોન નથી આવ્યો. કોણ મળ્યું હતું? મા-બાપે ચિંતિત સ્વરે પૂછ્યું.
'એજ. દીપક. તે મારી સાથે વાત કરવા માગે છે. પણ તમારી હાજરીમાં. મારું સર્વસ્વ તો તેણે છીનવી લીધું. હવે શા માટે મળવા માગે છે?' આરતી ઉગ્ર અવાજમાં બોલી.
'કંઇ વાંધો નહીં. એને એકવાર સાંભળી તો લે.'
બીજે જ દિવસે દીપક આવ્યો. આરતીએ સહેજ વ્યંગમાં પૂછ્યું, 'એકલા કેમ આવ્યા? એને પણ સાથે લાવવી હતી ને. તમારી પરમ સુંદરી જીવનસંગિનીને હું પણ જોઈ લેત ને.'
'કોને સાથે લઇ આવું? કોઇ હોય તોને? એકલો છું તો એકલો જ આવું ને.' દીપકે હસતાં-હસતાં કહ્યું.
મા-બાપ મૂંઝાઇ રહ્યાં હતાં. દીપકે આગળ બોલતાં કહ્યું, 'કોઇને મેં પકડી હોય, તો એ મને છોડી જાયને. મેં તો કેવળ તને પકડી રાખી હતી આરતી. અને તેં મને છોડી દીધો.'
'શું? પણ તમે તો…'
'હા, આરતી. તારા સિવાય કોઇ ચહેરો જિંદગીમાં તો શું, સપનામાં પણ નથી આવ્યો. તેં એવું કેમ ન વિચાર્યું કે અમેરિકા ગયા પછી તારા દીપકને કેવી પરેશાનીઓ વેઠવી પડી. મારો અકસ્માત થયો હતો અને હું મરતાં-મરતાં માંડ બચ્યો. મમ્મીનું અવસાન થયું. નોકરી છૂટી ગઈ. તેં પત્રો લખવા બંધ કર્યા અને મેંય મારું ઇ-મેલ એડ્રેસ બદલી નાખ્યું, મારા મિત્ર અશોકે મારા વિશે તને પૂછ્યું, તો તેં શહેર છોડી દીધું અને નોકરી પણ બદલી નાખી. આજે આટલાં વરસો બાદ કોન્ફરન્સને કારણે તને મળી શક્યો.
આરતી આંસુ સારતી નીચી નજરે ચૂપચાપ બધું સાંભળતી હતી. દીપકે બેઉ હાથે તેનો ચહેરો ઉપર ઉઠાવતાં કહ્યું, 'હું તો ફક્ત એટલું જ જાણવા આવ્યો છું કે તું હજી 'મિસ આરતી' છેકે મિસિસ આરતી બની ગઈ છો?'
'મિસિસ આરતી દીપક…' આટલું બોલતાં આરતીએ દીપકની છાતીમાં લજ્જાથી માથું છુપાવી દીધું. મા-બાપની આંખોમાં પણ હરખનાં આંસુ રેલાયાં અને તેઓ બીજા રૂમમાં ચાલ્યા ગયાં.

