VIDEO : ઈરાનમાં મિસાઈલ હુમલાના ખતરા વચ્ચે અનોખો વિરોધ, અહવાઝના 'વ્હાઈટ બ્રિજ' પર બનાવી માનવ સાંકળ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને અમેરિકા-ઈઝરાયેલ તરફથી સંભવિત હુમલાની ધમકીઓ વચ્ચે ઈરાનના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જોવા મળી રહ્યો છે. ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ શહેરમાં હજારો લોકોએ ઐતિહાસિક 'વ્હાઈટ બ્રિજ' પર એક વિશાળ માનવ સાંકળ બનાવીને વિશ્વને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના મહત્વના માળખાગત સુવિધાઓ અને તેલ ક્ષેત્રો પર હુમલો કરવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ખતરાને જોતા અહવાઝના સામાન્ય નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારુન નદી પર આવેલા પ્રખ્યાત વ્હાઈટ બ્રિજ પર હજારો પુરુષો અને મહિલાઓએ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ રચી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
વ્હાઈટ બ્રિજ પરની આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકો ઈરાની ધ્વજ સાથે અને દેશભક્તિના નારા લગાવતા જોઈ શકાય છે. નિષ્ણાંતો માને છે કે આ પ્રકારના પ્રદર્શનો ઈરાની સૈન્યના મનોબળને વધારવા અને વિદેશી શક્તિઓને હુમલો કરતા પહેલા વિચારવા મજબૂર કરવા માટેનો એક ભાગ છે. એક તરફ જ્યારે આખી દુનિયાની નજર ઈરાન-અમેરિકાના સંબંધો પર છે, ત્યારે અહવાઝની આ માનવ સાંકળે સાબિત કર્યું છે કે યુદ્ધના વાદળો વચ્ચે પણ સામાન્ય જનતા પોતાની માતૃભૂમિની રક્ષા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર બચાવવા માટેનો નિર્ધાર
આ માનવ સાંકળ માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ દેશની સંપત્તિ અને મહત્વના સ્થળોની રક્ષા માટેનો એક પ્રતીકાત્મક સંકલ્પ હતો. પ્રદર્શનકારીઓના મતે તેઓ પોતાના શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને નષ્ટ થતા જોવા માંગતા નથી. દુનિયાને બતાવવા માંગે છે કે ઈરાની પ્રજા પોતાના દેશની ઈમારતો અને સંસાધનો માટે મજબૂતીથી ઉભી છે. કોઈપણ વિદેશી આક્રમણ સામે તેઓ ડરવાને બદલે એકતા બતાવવા માંગે છે.

