VIDEO: એક મહિનામાં જ ‘મક્કા પેક્ટ’માં તિરાડ? સાઉદીએ પાકિસ્તાનને બાજુએ મૂકી અફઘાનિસ્તાન સાથે કરી મોટી ડીલ
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેનો કહેવાતો ‘મક્કા પેક્ટ’ હાલ સવાલોના ઘેરામાં છે. 7 ઓગસ્ટે મક્કામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે થયેલી ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી (Defence Agreement) મુજબ, ત્રણમાંથી કોઈપણ દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે. જોકે, સાઉદી પર ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓના હુમલા વચ્ચે પાકિસ્તાન યમન અને હૂથીઓ સામે કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું હોવાના દાવાથી આ ગઠબંધનની અસરકારકતા સામે સવાલ ઊભા થયા છે.
સાઉદી-પાકિસ્તાન સમજૂતી પર ઊઠ્યા સવાલ
મક્કા પેક્ટને મુસ્લિમ દેશો વચ્ચેની વ્યૂહાત્મક સુરક્ષા ભાગીદારી તરીકે જોવામાં આવી હતી. જોકે, વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન ઈરાનને નારાજ કરવાનું ટાળતું હોવાના અહેવાલોને કારણે સાઉદી સાથેના તેના સંબંધો અંગે ચર્ચા તેજ બની છે. ખાસ કરીને સાઉદી અરેબિયા પર હૂથી હુમલાઓ બાદ પાકિસ્તાન તરફથી અપેક્ષિત કાર્યવાહી ન થવાને કારણે બંને દેશોની સંરક્ષણ ભાગીદારી સામે પ્રશ્નો ઉભા થયા છે.
સાઉદીએ અફઘાનિસ્તાન સાથે કરી કરોડોની ઊર્જા ડીલ
આ દરમિયાન સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનના તાલિબાન-નેતૃત્વવાળા વહીવટીતંત્રે કાબુલમાં સાઉદી એનર્જી કંપની ‘ડેલ્ટા ઇન્ટરનેશનલ’ સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. પશ્ચિમી કુશક-તિરપુલ બેસિનમાં તેલ અને ગેસની શોધખોળ માટે 25 વર્ષનો 200 મિલિયન ડૉલરનો કરાર કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ કરારનું મૂલ્ય વધીને 50થી 60 અબજ ડૉલર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પાકિસ્તાનના જૂના દાવાને પણ પડકાર
આ કરાર અમેરિકાના પૂર્વ રાજદૂત અને 2020ના દોહા કરારમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઝલમે ખલીલજાદની હાજરીમાં થયો હતો. આ ઘટનાક્રમને પાકિસ્તાન માટે વ્યૂહાત્મક રીતે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. કારણ કે પાકિસ્તાન લાંબા સમયથી એવો દાવો કરતું આવ્યું છે કે અફઘાનિસ્તાનના બાહ્ય આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં ઇસ્લામાબાદની મહત્વપૂર્ણ ભૂમિકા હોવી જોઈએ.
પાકિસ્તાનમાં અગાઉના રોકાણ સામે સાઉદીનું નવું પગલું
અગાઉ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં 20 અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી, જોકે તે રોકાણને અપેક્ષા મુજબનું વાસ્તવિક સ્વરૂપ મળી શક્યું નહોતું. હવે સાઉદીએ પાકિસ્તાનને બાજુએ રાખીને અફઘાનિસ્તાન સાથે સીધો ઊર્જા કરાર કર્યો છે. આ પગલાને કારણે પાકિસ્તાની સૈન્ય અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે. સાથે જ પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા અને પ્રભાવ અંગે પણ નવા સવાલો ઊભા થયા છે.

