Video: યુરોપમાં 4 પેસેન્જર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અનેક દેશોમાં કરાવવામાં આવી ઇમરજન્સી લેન્ડિંગ

યુરોપમાં ચાર પેસેન્જર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલેન્ડ, સ્પેન અને બલ્ગેરિયામાં આ વિમાનોનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સદનસીબે ચારેય વિમાનો સુરક્ષિત ઉતરી ગયા હતા અને સુરક્ષા માટે તરત જ એન્ટી ટેરર સ્ક્વોડ અને પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ અગાઉ પણ સોમવારે લંડનથી સોફિયા જતી વિઝ એરની ફ્લાઇટને બોમ્બની ધમકીને કારણે બુડાપેસ્ટ ડાયવર્ટ કરવી પડી હતી. મંગળવારની ઘટનાઓમાં પોલેન્ડમાં બે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. લંડન હીથ્રોથી વારસો જતી LOT પોલિશ એરલાઇન્સની બોઇંગ 737 ફ્લાઇટને બોમ્બની ચેતવણી મળતાં વારસો મોડલિન તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. બાકીની ફ્લાઇટ્સનું પણ સ્પેન અને બલ્ગેરિયામાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. આ સતત ધમકીઓથી યુરોપિયન એવિએશન સેક્ટરમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે અને એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.




