VIDEO: ભુવનેશ્વરમાં આગનું તાંડવ, વસંતલા એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી ભયાનક આગ, 3 લોકોનું દિલધડક રૅસ્ક્યૂ
VIDEO: ભુવનેશ્વરના એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગનું તાંડવ જોવા મળ્યું હતું.. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ત્રણ લોકો ફસાયા હતા, જેમને ફાયર ફાઈટરોએ જીવના જોખમે દિલધડક રૅસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા.
ઓડિશાના ભુવનેશ્વરમાં બડગડા કેનાલ રોડ પર આવેલા વસંતલા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. સીડી પાસેના ઇલેક્ટ્રિક પેનલમાં લાગેલી આગ અને ધુમાડાને કારણે રહેવાસીઓ ફસાયા હતા. આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક બાળક અને બે વૃદ્ધોનો સમાવેશ થાય છે. ફાયર ફાઈટરોએ સમયસર પહોંચીને ત્રણેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
રહેવાસીઓએ સુરક્ષાના અભાવે આક્રોશ વ્યક્ત કરતા બિલ્ડિંગમાં વધારાના એક્ઝિટ ગેટ અને ફાયર સેફ્ટી ઉપકરણોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિકોના મતે, યોગ્ય વાયરિંગ અને નિયમિત ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્શનના અભાવે આ ગંભીર હોનારત સર્જાઈ હતી. હાલમાં ફાયર વિભાગે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ રહેવાસીઓએ ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સરકાર પાસે વધુ સારી સુવિધાઓ અને કડક સુરક્ષા ધોરણોની માંગ કરી છે.

