VIDEO: રાહુલ ગાંધીએ મમતા બેનર્જી, એમકે સ્ટાલિન અને વિજય સાથે કરી વાતચીત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષા મમતા બેનર્જી, ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન અને ટીવીકે નેતા વિજય સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમના રાજ્યોમાં વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ વાત જણાવી છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જણાવ્યું કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ મમતા બેનર્જી, સ્ટાલિન અને ટીવીકેના પ્રમુખ વિજય થલાપતિ સાથે ફોન પર વાતચીત કરી છે. આ સાથે જ રાહુલે કેરળમાં યુડીએફના સારા પ્રદર્શન બદલ કાર્યકરોનો આભાર માન્યો. યુડીએફને પ્રચંડ બહુમતી સાથે સેવા કરવાની તક મળી છે. અમે અમારી જવાબદારી ઓળખીએ છીએ અને અમારામાં મૂકવામાં આવેલા વિશ્વાસનું સન્માન કરીશું.
તેમણે જણાવ્યું કે, કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઓછું રહ્યું છે તેમ છતાં કોંગ્રેસ નિરાશ નથી. અમે વિચારધારાઓની લડાઈ લડી રહ્યા છીએ. લોકશાહી અને સત્ય માટે સરમુખત્યારશાહી અને અસત્ય સામેની લડત જારી રાખીશું. અમે સંકલ્પ અને અડગ નિશ્ચય સાથે આગળ વધતા રહીશું. રમેશે જણાવ્યું કે ચૂંટણી પરિણામોની વિગતવાર સમીક્ષા ટૂંક સમયમાં કરવામાં આવશે. કેરળમાં પક્ષના નિરીક્ષકો મોકલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

