VIDEO: 'આતંકવાદ સૌથી મોટું વૈશ્વિક સંકટ છે', SCO સમિટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો મક્કમ પુનરોચ્ચાર કર્યો છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ બેવડા ધોરણ વગર કડક કાર્યવાહી કરવાની નીતિ પર અડગ છે.
મંત્રીએ જણાવ્યું કે આજના અસ્થિર વૈશ્વિક વાતાવરણમાં SCOની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં સતત ચાલતા યુદ્ધ અને સંઘર્ષથી જાન-માલનું ભારે નુકસાન થયું છે. જે વૈશ્વિક સુરક્ષા તંત્ર માટે આત્મમંથનનો વિષય છે. રાજનાથ સિંહે આતંકવાદ અને કટ્ટરપંથને આજનું સૌથી મોટું વૈશ્વિક સંકટ ગણાવ્યું
. તેમણે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આવી ઘટનાઓ સાબિત કરે છે કે આતંકવાદ માટે કોઈ તર્ક કે બહાનું સ્વીકાર્ય નથી. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ બેવડા ધોરણ વગર કડક કાર્યવાહી કરવાની નીતિ પર અડગ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી અને સ્ટેટ સ્પોન્સર્ડ તેમજ ક્રોસ બોર્ડર આતંકવાદના કોઈપણ સ્વરૂપને સહન કરવામાં આવશે નહીં. રાજનાથ સિંહે SCOના રિજનલ એન્ટી-ટેરર સ્ટ્રક્ચરની ભૂમિકાને મહત્વ આપીને વિશ્વના તમામ દેશોને આતંકવાદ અને અલગતાવાદ વિરુદ્ધ એકજૂથ થવા હાકલ કરી. તેમણે કહ્યું કે ભારત એક વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જે વસુધૈવ કુટુંબકમના ભારતીય સંસ્કાર પર આધારિત હોય.

