VIDEO: કોંગ્રેસના નેતા પવન ખેરાએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, જાણો શું છે મામલો
કોંગ્રેસના નેતા પવન ખેરાએ ગુવાહાટી હાઈકોર્ટના 24 એપ્રિલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ આદેશમાં આસામ પોલીસ દ્વારા તેમની સામે નોંધાયેલા માનહાનિ અને બનાવટી કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંત કુમાર સરમાની પત્ની રિંકી ભૂયાન સરમાએ પવન ખેરા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે, રિંકી સરમા પાસે અનેક વિદેશી પાસપોર્ટ અને વિદેશમાં જાહેર ન કરાયેલી સંપત્તિ છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, પવન ખેરાના નિવેદનોથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે અને તે ખોટા અને ભ્રામક દાવા છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે પવન ખેરાની તેલંગાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ટ્રાન્ઝિટ આગોતરા જામીનને લંબાવવાની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે પવન ખેરાને આસામની કોઈપણ અદાલતમાં રાહત મેળવવાની સ્વતંત્રતા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેલંગાણા હાઈકોર્ટના કોઈપણ આદેશ કેસના ગુણદોષ પર અસર કરશે નહીં. આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

