VIDEO: ANDARNI VAAT / શિમલાની સુંદરતામાં વરસાદે ચાર ચાંદ લગાવ્યા, પ્રવાસીઓનો ભારે ધસારો!
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન શિમલામાં ચોમાસાના આગમનની સાથે જ પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે, જેનાથી પ્રવાસન ઉદ્યોગને પાંખો મળી છે અને ટુરિઝમ એક્ટિવિટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.. અહીં વરસાદના કારણે વાતાવરણ અત્યંત ખુશનુમા અને આહલાદક બની ગયું છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. પંજાબના લુધિયાણાથી આવેલા અનેક પ્રવાસીઓએ પોતાનો અદભુત અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, ચોમાસાનો વરસાદ શિમલાની પ્રાકૃતિક સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. પહાડો પર છવાયેલી હરિયાળી અને ધુમ્મસભરી ખીણોના નયનરમ્ય દ્રશ્યો પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની રહ્યા છે.
આ નયનરમ્ય હિલ સ્ટેશનની મુલાકાતે આવેલા અન્ય પ્રવાસી ઉજાલાએ પણ અહીના મનમોહક વાતાવરણની પ્રશંસા કરી છે. મુલાકાતીઓનું કહેવું છે કે પહાડોમાં ચોમાસાના વરસાદથી ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ મોસમમાં જ પ્રકૃતિનું અસલી અને સોહામણું સ્વરૂપ જોવા મળે છે. દ્રશ્યોમાં પણ પ્રવાસીઓ છત્રીઓ લઈને મોજમસ્તી કરતા અને ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. શિમલાના મોલ રોડ, રિજ અને આસપાસના પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભારે ચહલપહલથી સ્થાનિક વેપારીઓ અને હોટેલ ઉદ્યોગમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે.. મુલાકાતીઓ અન્ય લોકોને પણ આ ચોમાસાની ઋતુમાં શિમલા આવીને પ્રકૃતિનો આનંદ માણવા ઉત્સાહભેર આમંત્રણ આપી રહ્યા છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

