VIDEO: ANDARNI VAAT / મહારાષ્ટ્રમાં આકાશી આફતનો પ્રકોપ, આળંદીમાં ઈન્દ્રાયણી નદીના પૂરમાં ડૂબ્યા ચારેય પુલ, એન્ટ્રી પર પ્રતિબંધ!
મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂર અને તબાહીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આલંદીમાં ઈન્દ્રાયણી નદી ઉફાન પર આવતા નદી પર બનેલા તમામ ચારેય પુલ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે. પૂરની ભયાવહ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે બહારથી આલંદી શહેરમાં પ્રવેશવા પર વહીવટી તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, પાલઘર જિલ્લામાં પણ મુશળધાર વરસાદના લીધે કેળવા ડેમ ઓવરફ્લો થવાની અણી પર છે, જેને પગલે ડેમની આસપાસના નીચાણવાળા અને જોખમી ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
આ ભારે વરસાદની વ્યાપક અસર માવળ અને રાયગઢ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. માવળ તાલુકામાં અવિરત વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સ્થાનિક વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર મોટા પાયે પાણી ભરાઈ જવાથી લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ દરમિયાન, રાયગઢ જિલ્લામાં પણ નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે, જેની સીધી અસર મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટ્રાફિક પર પડી છે. હાઈવે પર પાણી ફરી વળવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને સ્થાનિક પ્રશાસનને હાઈ એલર્ટ પર રાખીને બચાવ કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

