VIDEO: ANDARNI VAAT / રાજકોટની દીકરીની એશિયન ગેમ્સમાં એન્ટ્રી, ૪૦૦ મીટર ટ્રેક પર દેશનું પ્રતિનિધિત્વ કરશે ગોલ્ડન ગર્લ દેવયાની ઝાલા!
ગુજરાતના સ્પોર્ટ્સ જગત અને રંગીલા રાજકોટ માટે એક અત્યંત ગર્વ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની આશાસ્પદ અને તેજસ્વી એથ્લેટ દેવયાની ઝાલાની એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.. ૪૦૦ મીટર દોડની કેટેગરીમાં પોતાનું લોહી-પરસેવો બહાવીને ટ્રેક પર અદભુત પ્રદર્શન કરનારી દેવયાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો તિરંગો લહેરાવવા માટે સજ્જ થઈ ગઈ છે. દેવયાનીની આ ઐતિહાસિક સિદ્ધિથી માત્ર તેના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મેદાન પર તેની દોડવાની આગવી શૈલી અને સખત મહેનત આજે તેને આ આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ આવી છે..
દીકરીની આ અભૂતપૂર્વ સફળતા પર હર્ષ વ્યક્ત કરતા દેવયાનીના પિતા મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ સ્થાન સુધી પહોંચવા માટે દેવયાનીએ દિવસ-રાત એક કર્યા છે અને તેની વર્ષોની તપસ્યા આજે સફળ થઈ છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં દેવયાની ઝાલાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, એશિયન ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવો એ તેનું સૌથી મોટું સપનું છે અને તે ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. રાજકોટની ગલીઓમાંથી નીકળીને એશિયન ગેમ્સ સુધીની સફર ખેડનારી દેવયાની આજે રાજ્યના હજારો યુવા ખેલાડીઓ, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બની ગઈ છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

