VIDEO: ઈલેક્ટ્રિક માર્કેટમાં આ કારનો દબદબો: 2 વર્ષમાં 75,000 ગાડીઓ વેચાઈ, ગ્રાહકોની પહેલી પસંદ બની આ EV!
JSW MG મોટર ઈન્ડિયાની લોકપ્રિય ઈલેક્ટ્રિક કાર 'વિન્ડસર EV' (MG Windsor EV) એ ભારતીય માર્કેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ ઈલેક્ટ્રિક ક્રોસઓવરે લોન્ચ થયાના બે (2) વર્ષથી પણ ઓછા સમયમાં 75,000 યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરી લીધો છે. આ શાનદાર ગતિએ વિન્ડસરને દેશના ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં સૌથી આગળ લાવીને મૂકી દીધી છે. તમને જણાવી દઈએ કે વિન્ડસર EV છેલ્લા કેટલાક સમયથી કંપનીનું બેસ્ટ સેલિંગ મોડલ પણ બની રહ્યું છે. અહીં જાણો વિન્ડસર EVના વેચાણ અને તેના ફીચર્સ વિશે...
વધુ વેચાણ
આ વર્ષનો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો (H1 CY2026) પણ વિન્ડસર EV માટે ખૂબ જ શાનદાર રહ્યો છે. કંપનીએ જાન્યુઆરીથી જૂન 2026 વચ્ચે આ કારના 19,000 થી વધુ યુનિટ્સ વેચ્યા છે. આ શાનદાર પ્રદર્શનના જોરે આ કાર ભારતના EV સેલ્સ ચાર્ટમાં ટોચ પર યથાવત છે. વિન્ડસર, કોમેટ અને ઝેડએસ EV (ZS EV) ની ભારે માંગને કારણે MG મોટરે આ સમયગાળા દરમિયાન 13 ટકાનો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે.
કંપનીનું પ્લાનિંગ શું છે?
એમજી વિન્ડસરની આ સફળતા પાછળ તેની ખાસ 'ABC' વ્યૂહરચના છે. કંપનીએ તેને A-સેગમેન્ટની કિંમત, B-સેગમેન્ટનો બાહ્ય આકાર અને C-સેગમેન્ટ જેવી મોટી કેબિન સ્પેસ સાથે ડિઝાઇન કરી છે. આ અનોખો ફોર્મ્યુલા એવા પરિવારોને ખૂબ પસંદ આવી રહ્યો છે જેઓ ઓછા ખર્ચમાં મોટી ગાડી ઈચ્છે છે. આ સિવાય કંપની હવે વિન્ડસર EVમાં લોકલ પાર્ટ્સનો હિસ્સો વધારીને 70 ટકા કરવાની યોજના બનાવી રહી છે.
રેન્જ આશરે 450 કિમી
કિંમતની વાત કરીએ તો વિન્ડસર EV 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) સ્કીમ હેઠળ આવે છે. તેની શરૂઆતની કિંમત 9.99 લાખ રૂપિયા છે. આ સાથે ગ્રાહકે 3.9 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે બેટરીનું ભાડું ચૂકવવું પડે છે. આ કાર બે બેટરી ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પહેલું 38 kWh નું બેટરી પેક છે જે 332 કિમીની રેન્જ આપે છે. બીજું પ્રો વેરિઅન્ટમાં મળતું 52.9 kWh નું મોટું બેટરી પેક છે. આ સિંગલ ચાર્જમાં 449 કિમીની શાનદાર રેન્જનો દાવો કરે છે.
ફીચર્સ પણ છે મજબૂત
આ કારની કેબિન ગ્રાહકોને સૌથી વધુ આકર્ષિત કરી રહી છે. તેમાં 'એરો લાઉન્જ' સીટો આપવામાં આવી છે, જે 135 ડિગ્રી સુધી નમી શકે છે. કારના ડેશબોર્ડ પર 15.6 ઇંચની મોટી ટચસ્ક્રીન આપવામાં આવી છે, જે તમામ ફીચર્સને કંટ્રોલ કરે છે. ફ્લેટ-ફ્લોર કેબિન, મોટી કાચની બારીઓ અને પ્રીમિયમ ફીચર્સ તેને એક શાનદાર ફેમિલી કાર બનાવે છે.

