VIDEO: ANDARNI VAAT / કઠુઆના બેલા ખુદમાં પૂરનો કહેર, બ્રિજ તૂટતાં સંપર્ક વિહોણા બન્યા અનેક ગામ!
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાંથી સ્થાનિક લોકોની પડતર મુશ્કેલીઓ અને વહીવટી તંત્રની ઉદાસીનતા દર્શાવતો એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. કઠુઆના બેલા ખુદ પર બનાવવામાં આવેલો ક્રોસિંગ સ્લેબ તાજેતરમાં આવેલા ભયાનક પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, જેના લીધે આસપાસના અનેક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગોથી તૂટી ગયો છે. ત્યારે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સ્લેબ તૂટી જવાને કારણે શાળાએ જતા બાળકો, દર્દીઓ અને રોજિંદા કામ અર્થે જતા લોકોને જીવના જોખમે નદી ઓળંગવી પડે છે. દર ચોમાસામાં સર્જાતી આ ગંભીર સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે ગ્રામજનોએ બેલા ખુદ પર એક મજબૂત અને પાકા કાયમી બ્રિજના નિર્માણ માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે..
આ ભૌગોલિક કટોકટી અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની ઘટના બાદ વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. PMGSY વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગુરમીત કુમારે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પૂરના કારણે સ્લેબને થયેલા નુકસાનની વિભાગ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે જનતાની સુવિધા માટે હાલ તુરંત હંગામી ધોરણે રસ્તો પુન શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, અને સાથે જ ભવિષ્યની મુશ્કેલી નિવારવા માટે ત્યાં કાયમી પુલના નિર્માણ માટેનો પ્રસ્તાવ પણ ઉચ્ચ સ્તરે મંજૂરી અર્થે મોકલવામાં આવી રહ્યો છે. જોકે, સ્થાનિક લોકોની માંગ છે કે આ કાગળિયા આશ્વાસનોના બદલે જમીની સ્તર પર વહેલી તકે પુલનું કામ શરૂ કરવામાં આવે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

