VIDEO: ANDARNI VAAT / દિલ્હી-નોઈડામાં આકાશી આફત, ભારે વરસાદથી સ્માર્ટ સિટી પાણી-પાણી, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ!
દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને પગલે નોઈડાના જાણીતા ડીએલએફ મોલ ઓફ ઈન્ડિયા, સેક્ટર ૩૨, સેક્ટર ૭૫ અને સેક્ટર ૯૪ માં આવેલા દલિત પ્રેરણા સ્થળ જેવા પ્રમુખ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.. આ સિવાય, દિલ્હીના બદલપુર સ્થિત એક સરકારી શાળામાં પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના લીધે તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલ્લી પડી હતી. રસ્તાઓ જળમગ્ન થવાના કારણે વાહનચાલકો પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા અને ઠેર-ઠેર વાહનો બંધ પડી જવાની ઘટનાઓ સામે આવી હતી..
વરસાદી પાણીના ભરાવાના લીધે દિલ્હી અને નોઈડાને જોડતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ છે. ખાસ કરીને કાલિન્દીકુંજ અને બદલપુર-ફરીદાબાદ ટોલ ટેક્સ નજીક વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી, જેમાં ઓફિસ જતા નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા.. સ્થાનિક રહીશોએ પ્રશાસનની નબળી ડ્રેનેજ સિસ્ટમ સામે ભારે આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી હતી.. ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખું શહેર જાણે પાણીની ચાદર લપેટીને બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત થઈ રહેલા જળભરાવને કારણે માર્ગો પર ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે, જેનાથી સમગ્ર એનસીઆર વિસ્તારમાં હાલાકીનો માહોલ છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

