VIDEO: ANDAR NI VAAT/ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો, એકસાથે ત્રણ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધ જહાજો કમિશનિંગ કરાયુ
ભારતીય નૌકાદળની કાર્યક્ષમતા અને આત્મનિર્ભરતામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ત્રણ મુખ્ય સ્વદેશી પ્લેટફોર્મ આઈએનએસ દુનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય જહાજોની ડિઝાઇન નૌકાદળના 'વોરશિપ ડિઝાઇન બ્યુરો' દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં કરવામાં આવ્યું છે, જેમાં 75 ટકાથી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આ કાર્યમાં 200થી વધુ એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોનું યોગદાન રહ્યું છે. જે દેશના સંરક્ષણ ઉત્પાદનમાં વધતી જતી પરિપક્વતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય જહાજને ભારતીય નૌકાદળને સમર્પિત કરતા કહ્યું, આજે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ફક્ત ખરીદદાર રહેવા માંગતું નથી. આત્મનિર્ભરતા એ શક્તિ અને ક્ષમતાની ઓળખ છે. ભારત ઉત્પાદક બનવા માંગે છે, અને જે દિવસે આપણે ઉત્પાદક બનીશું, તે દિવસે આપણે નિર્ણય લેનાર પણ બનીશું.
દરેક જહાજ વિશિષ્ટ ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. 'INS દુનાગિરી' એ પ્રોજેક્ટ 17A શ્રેણીની પાંચમી સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે બ્રહ્મોસ મિસાઇલ અને અદ્યતન સેન્સર્સથી સજ્જ છે, જે નૌકાદળની લડાયક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. 'INS સંશોધક' એક અત્યાધુનિક સર્વેક્ષણ જહાજ છે, જે ઊંડા સમુદ્રમાં હાઈડ્રોગ્રાફિક ડેટા એકત્રિત કરવા અને દરિયાઈ ભૂગોળના સંશોધન માટે ડિઝાઇન કરાયું છે. જ્યારે 'INS અગ્રે' એ અર્નાલા-ક્લાસનું એન્ટી-સબમરીન વોરફેર જહાજ છે, જે દરિયાકિનારાના વિસ્તારોમાં દુશ્મનની સબમરીનને શોધવા અને તેને નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે. આ ત્રણેય જહાજોનું એકસાથે સામેલ થવું ભારતની દરિયાઈ સુરક્ષા, બ્લુ-વોટર ઓપરેશન્સ અને હિંદ મહાસાગરમાં મજબૂત પકડ જમાવવાના લક્ષ્યને નવી ઊંચાઈઓ આપશે. ત્રણેય જહાજના સામેલ થવાતી ભારતની સમુદ્ર શક્તિમાં વધારો થયો છે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

