VIDEO:ANDAR NI VAAT/હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યું તણાવ, ટ્રમ્પની મોટી જાહેરાત
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવના વાદળો ઘેરાયા છે. ઈઝરાયલ-લેબનોન સંઘર્ષની અસર હોર્મુઝ સ્ટ્રેટ પર વર્તાઈ રહી છે. ઈરાનની ધમકીઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી 60 દિવસ સુધી વ્યૂહાત્મક જળમાર્ગ પર કોઈ ટોલ લેવામાં આવશે નહીં, પરંતુ શાંતિ સમજૂતી નહીં સધાય તો ભવિષ્યમાં કડક નિર્ણયો લેવાઈ શકે છે.
મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટના જળમાર્ગને લઈને વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે. ઈઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા હુમલાઓને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. અગાઉ પણ ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીને પગલે શાંતિવાર્તા રૂકાઈ હતી અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી હતી, જેની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર અને ક્રૂડ ઓઈલના પુરવઠા પર પડી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ પ્રકારનો ટોલ ટેક્સ લાગુ કરવામાં આવશે નહીં. ટ્રમ્પના આ નિવેદનને વૈશ્વિક વેપાર માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી ઈરાન દ્વારા જળમાર્ગ બંધ કરવાના જોખમને હાલ પૂરતું ટાળી શકાયું છે.
જો કે, ટ્રમ્પે સાથે જ એ પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો આ 60 દિવસના ગાળામાં કોઈ વ્યાપક શાંતિ સમજૂતી નહીં સધાય, તો અમેરિકા આ જળમાર્ગની સુરક્ષાની જવાબદારીના બદલામાં ભવિષ્યમાં ટોલ વસૂલવાનો કડક નિર્ણય લઈ શકે છે. આ સંઘર્ષની ભારત પર પણ ઊંડી અસર પડે તેમ છે, કારણ કે સમજૂતીના ગાળામાં ગુજરાતના દહેજ બંદર સુધી જહાજોની અવરજવર સુગમ બની હતી. હવે જો આ માર્ગ ફરીથી અનિશ્ચિતતામાં ઘેરાય છે, તો માત્ર વૈશ્વિક અર્થતંત્ર જ નહીં, પરંતુ ભારતના ઉર્જા સુરક્ષા અને બંદરોની કામગીરી પર પણ નકારાત્મક અસર પડી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર આ 60 દિવસની શાંતિ પ્રક્રિયા અને તે બાદ લેવાનારા નિર્ણયો પર ટકેલી છે, કારણ કે માર્ગ ફરી બંધ થવાની સ્થિતિમાં ઉર્જાના ભાવમાં તોતિંગ ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ

