VIDEO : ANDARNI VAAT/ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ; 4 દર્દીઓના કરુણ મોત
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલમાંભીષણ આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આખા વોર્ડમાં ઝેરી ધુમાડો ફેલાઈ જતા ગૂંગળામણ અને દાઝી જવાના કારણે અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોતના સત્તાવાર સમાચાર મળ્યા છે.જોકે સ્થાનિક સૂત્રો મુજબ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટના સમયે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી; ડરના માર્યા હોસ્પિટલ સ્ટાફ ભાગી છૂટ્યો હતો અને પરિજનો પોતાના દર્દીઓને સ્ટ્રેચર પર લઈને જીવ બચાવવા બહાર દોડતા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ બારીઓ તોડીને 15 થી 20 જેટલા ગંભીર દર્દીઓને રેસ્ક્યૂ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ ગંભીર હોનારત બાદ મુઝફ્ફરપુર જિલ્લા પ્રશાસન અને પોલીસ હરકતમાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી રોષે ભરાયેલા પરિજનોના આક્રોશને શાંત કરી શકાય. એફએસએલની વિશેષ ટીમે હોસ્પિટલના ICU વોર્ડની મુલાકાત લઈ આગના ચોક્કસ કારણો જાણવા માટે નમૂનાઓ એકત્ર કર્યા છે અને પ્રાથમિક તપાસ પૂર્ણ કરી ટીમ રવાના થઈ ગઈ છે. સિનિયર એસપી કાંતેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી બદલ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. પોલીસ અને વહીવટીતંત્રે હાલમાં હોસ્પિટલ પરિસરને સીલ કરી દીધું છે.હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી અંગે પરિજનોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.તપાસમાં જાણવા મળ્યું છે કે ICUમાં ૧૩ દર્દીઓની ક્ષમતા હોવા છતાં ૧૫ બેડ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આગ સમયે હોસ્પિટલનો સ્ટાફ હાજર ન હોવાની અને ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત ન હોવાની ફરિયાદો પણ નોંધાઈ છે. પોલીસ અત્યારે હોસ્પિટલના ફાયર સેફ્ટી ઓડિટ અને એનઓસીની તપાસ કરી રહી છે, અને જો ક્ષતિ જણાશે તો હોસ્પિટલ સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

