VIDEO: ANDAR NI VAAT / મોનાકો એનર્જી બોટ ચેલેન્જમાં ભારતની 'સી શક્તિ' ટીમ 21 દેશને આપશે ટક્કર
વૈકલ્પિક ઉર્જા અને ટકાઉ પરિવહનના ક્ષેત્રે દરિયાઈ ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપતી પ્રતિષ્ઠિત મોનાકો એનર્જી બોટ ચેલેન્જ ની શરૂઆત મોનાકોના ક્વે લુઈસ ખાતે ભવ્ય રીતે થઈ ચૂકી છે. યાટ ક્લબ ડી મોનાકો દ્વારા આયોજિત આ અનોખી વૈશ્વિક સ્પર્ધાની એન્ડ્યુરન્સ રેસમાં આ વર્ષે વિશ્વના 21 દેશોની 54 જેટલી દિગ્ગજ ટીમોએ ભાગ લીધો છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આઈઆઈટી મદ્રાસની ટીમ સી શક્તિ મોનાકો પહોંચી છે. ભારતીય ટીમની કમાન કુશળ પાઇલટ શરણ બાલાસુબ્રમણ્યમ અને લીડ મિકેનિકલ તથા સ્ટ્રક્ચર્સ એન્જિનિયર હરિતના હાથમાં છે. આ વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની ઉપસ્થિતિ દેશની યુવા એન્જિનિયરિંગ પ્રતિભા અને ગ્રીન ટેકનોલોજી તરફની મજબૂત પ્રતિબદ્ધતાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
આ એનર્જી બોટ ચેલેન્જની મુખ્ય ખાસિયત એ છે કે તે માત્ર ઝડપની રેસ નથી. પરંતુ દરિયાઈ પરિવહનમાં શૂન્ય ઉત્સર્જન અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા અત્યાધુનિક ઇંધણ સ્ત્રોતોના ઉપયોગ પર કેન્દ્રિત છે. આ સ્પર્ધામાં ભાગ લેતી તમામ બોટો સૌર ઉર્જા, હાઇડ્રોજન અને બેટરી જેવા વૈકલ્પિક સ્ત્રોતો પર ચાલે છે. ભારતીય ટીમ સી શક્તિ ની વિશેષતા એ છે કે તેમણે ખાસ પ્રકારની સસ્ટેનેબલ એનર્જી સિસ્ટમથી સજ્જ પ્રોટોટાઇપ બોટ ડિઝાઇન કરી છે. જે ઊંચી ઝડપ સાથે ઉર્જાની બચત કરવામાં પણ સક્ષમ છે. આ આખી ઇવેન્ટ મોનાકોના દરિયાઈ પ્રદેશમાં થઈ રહી છે. જે આગામી પેઢીના ગ્રીન બોટિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક સ્તરે ખ્યાતનામ યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ જગતના માંધાતાઓ વચ્ચે ભારતીય યુવાનોની આ ટીમ ઇનોવેશન અને પર્યાવરણની સુરક્ષાના સમન્વય સાથે ભારતનો ડંકો વગાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

