VIDEO:ANDAR NI VAAT/ઉધમપુરમાં રેશમની કરોડોની કમાણી! ખેડૂતોએ કોકૂન વેચીને કમાયા ૩.૫ કરોડ રૂપિયા!
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ખેડૂતોએ 80 હજાર કિલો કોકૂન વેચીને સાડા ત્રણ કરોડની બમ્પર કમાણી કરી છે. કાપડ, મેડિકલ અને કોસ્મેટિક્સ ઉદ્યોગમાં ભારે ડિમાન્ડ ધરાવતો આ રેશમી કોશેટો હવે ખેડૂતો માટે સોનાની ખાણ સાબિત થઈ રહ્યો છે. ઉધમપુરના ખેડૂતોના નવા સાહસ પર જૂઓ આ વિશેષ અહેવાલ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં રેશમ ઉદ્યોગ ક્ષેત્રે ખેડૂતોએ કમાણીનો નવો ઈતિહાસ રચ્યો છે. તાજેતરમાં સ્થાનિક ખેડૂતોએ આશરે 75 હજાર થી 80 હજાર કિલોગ્રામ કોકૂનનું બમ્પર વેચાણ કરીને ટૂંકા ગાળામાં 3 કરોડ 50 લાખની માતબર કમાણી કરી છે. સામાન્ય ભાષામાં કોકૂનએટલે રેશમના કીડા દ્વારા પોતાની રક્ષણાત્મક લાળમાંથી તૈયાર કરાયેલું કુદરતી કવચ, જેને ગુજરાતીમાં કોશેટો કહેવામાં આવે છે. ઉધમપુરના આ કૃષિ બજારમાં ખેડૂતોને પ્રતિકિલો અંદાજે 437 થી 466 જેવો ઊંચો સરેરાશ બાવ મળ્યો છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપી રહ્યો છે. આ કોકૂનને ફેક્ટરીઓમાં ગરમ પાણીમાં ઉકાળીને તેમાંથી અત્યંત બારીક અને મજબૂત શુદ્ધ રેશમના દોરા છૂટા પાડવામાં આવે છે.જે ભારતભરના પ્રીમિયમ કાપડ બજારો માટે ખૂબ જ કિંમતી કાચો માલ સાબિત થાય છે.
વ્યવસાયિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કોકૂનમાંથી તૈયાર થતા રેશમી દોરાનો મુખ્ય ઉપયોગ વૈભવી ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોંઘી બનારસી સાડીઓ, પટોળા, પ્રીમિયમ કુર્તા અને શેરવાની બનાવવા માટે થાય છે. માત્ર કાપડ જ નહીં, પરંતુ મેડિકલ ક્ષેત્રે પણ આ કોશેટોમાંથી મળતા પ્રોટીનનો ઉપયોગ ઓપરેશનના ટાંકા લેવાના ઓટોડિઝોલ્વિંગ દોરા અને આર્ટિફિશિયલ સ્કીન ગ્રાફ્ટિંગમાં થાય છે. આ ઉપરાંત, કોસ્મેટિક્સ ઉદ્યોગમાં ત્વચાને મુલાયમ રાખતી એન્ટીએજિંગ ક્રીમ અને લોશન બનાવવા માટે કોકૂનના પ્રોટીનનો બહોળો ઉપયોગ થાય છે. જમ્મુકાશ્મીર સરકારના પ્રોત્સાહનને કારણે ઉધમપુરના ખેડૂતો માટે આ રેશમ ઉછેર કેન્દ્ર માત્ર પરંપરાગત વ્યવસાય નથી રહ્યો, પરંતુ તે બહોળા નફા સાથે વૈશ્વિક કક્ષાની સપ્લાય ચેઈનનો એક મજબૂત હિસ્સો બનીને ઉભર્યો છે.
બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

