ANDAR NI VAAT: ચૂંટણી પ્રચારમાં નિયમોના ઉલ્લંઘન બદલ Vijay Thalapathy અને 5000 કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ટીવીકે પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજય થલાપતિ વિરુદ્ધ પેરામ્બુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમિલનાડુના પેરામ્બુરમાં મોનિટરિંગ અધિકારી કુમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ફરિયાદ મુજબ વિજયે પેરામ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વ બેઠકો માટે ઉમેદવારી નોંધાવ્યા પછી રોડ શો દરમિયાન 30 લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો અને એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત કર્યો હોવાનો આરોપ છે. 5 હજારથી વધુ લોકોને એકઠા કરીને જાહેર અસુવિધા પેદા કરી હતી. પોલીસે જાહેર ઉપદ્રવ, જાહેર માર્ગ અવરોધ અને ગેરકાયદેસર સભામાં ભાગ લેવા સહિત પાંચ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં વિજય થલાપતિ સાથે ટીવીકેના લગભગ 5 હજાર કાર્યકરોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ટીવીકેએ આરોપ લગાવ્યો છે કે ચેન્નાઈ પોલીસે પ્રચાર માટે પરવાનગી આપ્યા પછી પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ન કરી, જેના કારણે અસુવિધા થઈ. પાર્ટીએ ચૂંટણી પંચને હસ્તક્ષેપ કરવા અને ડીએમકે સાથે મળીને પ્રચારને દબાવવાના આરોપો કર્યા છે. તમિલનાડુમાં ૨૩મી એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે.

