ANDAR NI VAAT: આસામમાં ત્રીજી વખત સત્તા મેળવવા ભાજપનું 'સંકલ્પ પત્ર' જાહેર, મુખ્યમંત્રીએ કર્યા આ મોટા વાયદા
ભાજપે ગુવાહાટીમાં વર્ષ 2026 આસામ વિધાનસભા ચૂંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, સર્બાનંદ સોનોવાલ, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયા સહિતના નેતાઓ સમારોહમાં હાજર રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને પ્રદેશને પૂરમુક્ત આસામ બનાવવાનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પહેલા બે વર્ષમાં 18 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને પૂર વ્યવસ્થાપન કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં બે લાખ નોકરીઓ પૂરી પાડવામાં આવશે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ, યુનિવર્સિટી અને એન્જિનિયરિંગ કોલેજ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાએ જણાવ્યું કે પાર્ટીનો ઉદ્દેશ્ય સુરક્ષિત આસામ, વિકસિત આસામ બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પોણા ત્રણ લાખ સૂચનો મેળવવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આસામનું જીડીપી લગભગ ત્રણ ગણું વધ્યું છે અને માથાદીઠ આવક 1 લાખ 3 હજારથી વધીને 1 લાખ 59 હજાર રૂપિયા થઈ છે. તેમણે કોંગ્રેસના શાસનની સરખામણીમાં ભાજપ સરકારના વિકાસની પ્રશંસા કરી. આસામમાં 126 વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલે એક તબક્કામાં મતદાન અને 4 મેના રોજ મતગણતરી થશે. ભાજપ ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરશે.

