Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / Narottam Mishra supporters pelted with stones in Datia after being denied ticket in Madhya Pradesh BJP

VIDEO: ANDAR NI VAAT / મધ્ય પ્રદેશ ભાજપમાં ટિકિટ કપાતા નરોત્તમ મિશ્રા સમર્થકોનો દતિયામાં પથ્થરમારો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી  દ્વારા પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ટિકિટ કાપીને આરએસએસ પૃષ્ઠભૂમિ ધરાવતા આશુતોષ તિવારીને ઉમેદવાર જાહેર કરવામાં આવતા જ નરોત્તમ મિશ્રાના સમર્થકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ટિકિટ કપાવાના સમાચાર મળતા જ શુક્રવારે સાંજે ત્રણ હજારથી વધુ ઉગ્ર સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગ્વાલિયર ઝાંસી નેશનલ હાઈવે 44 પર સંપૂર્ણપણે ચક્કાજામ કરી દીધો હતો. વિરોધ દર્શાવવા માટે કેટલાક સમર્થકો હાઈવે પર જ શર્ટ ઉતારીને સૂઈ ગયા હતા. જેના કારણે લગભગ 11 થી 12 કલાક સુધી નેશનલ હાઈવે બ્લોક રહ્યો હતો. આ ચક્કાજામના લીધે હાઈવે પર 15 થી 25 કિલોમીટર લાંબો ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં હજારો મુસાફરો, બસો અને દર્દીઓ ભરેલી એમ્બ્યુલન્સ પણ આખી રાત ફસાયેલી રહી હતી. આ આક્રોશ વચ્ચે નરોત્તમ મિશ્રાના સમર્થનમાં દતિયા ભાજપના જિલ્લા પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સહિતના અનેક પદાધિકારીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામા ધરી દેતા ભાજપમાં મોટો આંતરિક બળવો સપાટી પર આવ્યો છે.

App Store

શનિવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શને અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દતિયા શહેરમાં બજારો બંધ કરાવવાના પ્રયાસો વચ્ચે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભીડને સમજાવવા પહોંચ્યા, ત્યારે પ્રદર્શનકારીઓએ અચાનક પોલીસ ફોર્સ પર ચારેયબાજુથી ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તોફાની તત્વો નજીકની સરકારી ઇમારતો પર ચઢી ગયા હતા અને ત્યાંથી સતત પથ્થરો ફેંકતા રહ્યા હતા. તેમજ ત્રણ થી ચાર પોલીસ વાહનો અને ટ્રકોની તોડફોડ કરી તેને પલટાવી દીધા હતા.હિંસક વિરોધ વચ્ચે નરોત્તમ મિશ્રાના સમર્થકોએ વધુ ઉગ્ર અને ગંભિર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. અને નરોત્તમ મિશ્રાને ટિકિટ આપવા માટે માગ કરી હતી.

આ પ્રચંડ પથ્થરમારામાં દતિયાના કલેક્ટર સ્વપ્નિલ વાનખેડે, એસપી  મયુર ખંડેલવાલ, એડિશનલ એસપી અને એસડીપીઓ સહિત 8 થી વધુ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલમાં દતિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલમ 163 લાગુ કરવામાં આવી છે અને હિંસા કરનારા તોફાની તત્વોની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાવવાની ઘટનાથી મધ્ય પ્રદેશ ભાજપમાં રહેલો અસંતોષ અને જૂથવાદ સપાટી પર આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી