રામ મંદિર દાન ચોરી મામલો; ચંપત રાય-અનિલ મિશ્રાની વધી શકે છે મુશ્કેલી, લેવાશે આ કડક પગલાં

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે આ કેસમાં હવે મોટું અપડેટ સામે આવ્યું છે. આ વિવાદ વધતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની 6 જુલાઈએ એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રો મુજબ, આ બેઠકમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાને કારણ દર્શાવો નોટિસ આપીને તેમની પાસેથી લેખિત અને મૌખિક સ્પષ્ટતા માંગવામાં આવશે. ટ્રસ્ટના નિયમો મુજબ ખુલાસો પૂછ્યા વગર સીધી કાર્યવાહી થઈ શકતી નથી, તેથી આ નોટિસ બાદ જ આગળનો નિર્ણય લેવાશે.
પોલીસ સ્ટેશનમાં ત્રણેય પદાધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ
દાન ચોરીના આ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે અને પદાધિકારીઓ કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે. ફેજાબાદ બાર એસોસિએશનના સભ્યોએ શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને ચંપત રાય (Champat Rai), અનિલ મિશ્રા (Anil Mishra) અને ગોપાલ રાવ વિરૂદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. ફરિયાદમાં આરોપ છે કે, દાન પાત્રમાંથી રોકડ અને કિંમતી દાગીનાની મોટા પાયે ચોરી કરીને કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.
નજીકના લોકો દ્વારા ચોરી કરાવ્યાનો આરોપ
આક્ષેપ મુજબ, દાનની ગણતરી કરવા માટે આ પદાધિકારીઓએ પોતાના નજીકના લોકોને રાખ્યા હતા અને તેમની મદદથી લાંબા સમયથી આ ખેલ ચાલતો હતો. તપાસ દરમિયાન ચંપત રાય સાથે જોડાયેલી વ્યક્તિ પાસેથી અંદાજે 10 લાખ રૂપિયા અને અનિલ મિશ્રા તેમજ ગોપાલ રાવ સાથે જોડાયેલી વ્યક્તિ પાસેથી આશરે 58 લાખ રૂપિયા મળી આવ્યા હોવાનો દાવો પણ ફરિયાદમાં કરાયો છે.
SITની તપાસ અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ
સમગ્ર વિવાદની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) કામ કરી રહી છે, જેને 15 જુલાઈ સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જોકે, ફરિયાદ કરનારનો આરોપ છે કે 25 જૂન 2026ના રોજ નોંધાયેલી FIR નંબર 90/2026માં મુખ્ય પદાધિકારીઓના નામ જાણીજોઈને સામેલ કરાયા નથી અને અસલી આરોપીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ, વિવાદ વધતા ચંપત રાય અને અનિલ મિશ્રાએ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું છે.

