Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will the price of petrol-diesel in the country decrease? Union Petroleum Minister's big statement as Hormuz dispute calms down

VIDEO: શું દેશમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? હોર્મુઝ વિવાદ શાંત પડતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે MoU થઈ ગયા પછી હોર્મુઝની કટોકટી પણ ટળી ગઈ છે. આ પછી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની આશા રાખવામાં આવી રહી છે. જો કે, આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું કહેવું છે કે જો આગામી 2-3 મહિના સુધી ઘટાડો ચાલુ રહેશે તો કિંમતો ઘટી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમ એશિયાની કટોકટીના કારણે વિશ્વભરમાં પેટ્રોલના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થયો છે, જ્યારે ભારતમાં માત્ર 5.58% નો વધારો થયો છે.

App Store

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અંગે હરદીપ પુરીએ કહ્યું કે, અમે આજે એ સ્ટોકનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે અમે બે મહિના પહેલા ખરીદ્યો હતો. જો આ ઘટાડો 2-3 મહિના સુધી ચાલુ રહેશે તો અમે જોઈશું, પરંતુ આ એક કાલ્પનિક સ્થિતિ છે. 30 જૂન સુધી પેટ્રોલ-ડીઝલ અને એલપીજીને પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચવાને કારણે ક્રૂડ કંપનીઓને 74,781 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છે, પરંતુ કંપનીઓ હજી પણ એ ક્રૂડ ઓઈલની પ્રક્રિયા (પ્રોસેસ) કરી રહી છે, જે પશ્ચિમ એશિયાની કટોકટી દરમિયાન ખરીદવામાં આવ્યું હતું.

વૈશ્વિક દેશોની સરખામણીએ ભારતમાં ઓછો ભાવવધારો

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કેટલાક આંકડા રજૂ કરતા જણાવ્યું કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘણો ઓછો વધારો થયો છે. ચાર મહિનામાં પેટ્રોલના ભાવ ફ્રાન્સમાં 17.74%, જર્મનીમાં 19.05% અને ઇટાલીમાં 18.39% વધ્યા છે. આપણા પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાનમાં 39.77%, શ્રીલંકામાં 36.66%, નેપાળમાં 20.3% અને બાંગ્લાદેશમાં 42.69% કિંમત વધી છે. વિકસિત દેશોમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 20% અને ભારતના પડોશી દેશોમાં લગભગ 35% નો વધારો થયો છે, પરંતુ ભારતમાં પેટ્રોલની કિંમતમાં માત્ર 5.58% નો વધારો થયો છે. જૂન 2022 થી જૂન 2026 વચ્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 5.58% અને ડીઝલની કિંમતમાં 6.23% નો વધારો થયો છે.

કટોકટી છતાં ભારતમાં ઈંધણનો અવિરત પુરવઠો

કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ મંત્રીએ વધુમાં કહ્યું કે, હોર્મુઝ કટોકટીની ભારત પર કોઈ અસર જોવા મળી નથી. અમે આટલું સારું પ્રદર્શન કેવી રીતે કર્યું અને કોઈપણ શટડાઉન કે ઈંધણની અછત વિના કટોકટીમાંથી કેવી રીતે બહાર નીકળ્યા? માર્ચ, એપ્રિલ, મે અને જૂનના આખા સમયગાળા દરમિયાન ક્યાંય પણ ઈંધણની અછત થઈ નથી. એકંદરે, ન તો કોઈ અવરોધ આવ્યો, ન કોઈ અછત થઈ અને ન તો લાંબી લાઈનો લાગી. લોકોને હંમેશા કહેતો આવ્યો છું કે ભારત જેવો દેશ પોતાનામાં અનોખો છે. તમે અમારી ક્ષમતાને માત્ર SPR (સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ)માં રહેલા ભંડારના આધારે માપી શકતા નથી.

કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના અને એક્સાઈઝ ડ્યુટી

હોર્મુઝ કટોકટીના કારણે ભારતમાં ઘણી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. હવે જ્યારે કટોકટી ટળી ગઈ છે, ત્યારે આશા છે કે ટૂંક સમયમાં જ કિંમતો ક્યારે ઓછી થઈ શકે છે? આ અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે હરદીપ પુરીએ કહ્યું કે-છેલ્લા ચાર વર્ષમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત લગભગ 96 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 102 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને ગ્રાહકો પરનો બોજ ઓછો કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા આ નિર્ણય લીધો હતો, ત્યારે સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી, જેનાથી સરકારને લગભગ 1 લાખ કરોડના મહેસૂલનું નુકસાન થયું હતું.

ભાવ ઘટાડા અંગે ભવિષ્યની સ્થિતિ

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે- ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસે અત્યારે જે સ્ટોક છે, તે બે થી અઢી મહિના પહેલા ખરીદવામાં આવ્યો હતો, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા હતા. જ્યાં સુધી તમારા એ સવાલની વાત છે કે કિંમતો વધુ ક્યારે ઓછી થઈ શકે છે, તો જો કિંમતો વર્તમાન સ્તરે જળવાઈ રહેશે, તો આવનારા સમયમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. મારા માટે આ અંગે કોઈ અંદાજ લગાવવો યોગ્ય રહેશે નહીં.