VIDEO: ANDAR NI VAAT/ નાયરા કંપનીએ પેટ્રોલ ડીઝલ સસ્તાં કર્યા, કોમર્શિયલ એલપીજી ભાવમાં પણ મોટો ઘટાડો
દેશભરમાં આજે સામાન્ય જનતા અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને મોંઘવારીમાંથી આંશિક રાહત મળી છે. ખાનગી ઇંધણ કંપની નાયરાએ દેશભરના પોતાના પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે જ તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે, 14 પોઈન્ટ 2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં નરમાઈ અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતાં ઊર્જા બજારમાં સ્થિરતા આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નાયરાના આ નિર્ણયથી તેના દેશભરના હજારો પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવતા ગ્રાહકોને સીધો લાભ મળશે. ભાવ ઘટાડો થતા જ નાયરાના ગ્રાહકો જે ભાવ વધારા બાદથી અન્ય પેટ્રોલ પંપ તરફ વળ્યા હતા તેઓ ફરી હવે નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા પહોંચતા લાઈનો જોવા મળી હતી.
બીજી તરફ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલો ઘટાડો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ, બેકરી અને અન્ય વ્યાવસાયિક એકમો માટે રાહતરૂપ બનશે. રસોઈ ગેસનો ખર્ચ ઘટતાં વેપારીઓને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને આગામી સમયમાં તેની સકારાત્મક અસર કેટલીક સેવાઓ અને ખાદ્યપદાર્થોના ખર્ચ પર પણ જોવા મળી શકે છે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ઘટાડો ન થતાં સામાન્ય પરિવારોને સીધી રાહત મળી નથી. નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોમાં ઇંધણ અને ઊર્જા ક્ષેત્રમાં વધુ રાહત મળવાની સંભાવના રહેલી છે. હાલના નિર્ણયને મોંઘવારીના દબાણ વચ્ચે આંશિક રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હાલ બંધ થતા જનતા હવે મોંઘવારીમાં મોટી રાહત મળશે તેવી આશા સેવી રહી છે. જેથી સરકાર પણ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડે તેવી લોકો માગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકારી તેલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

