VIDEO: ANDAR NI VAAT/ મહારાષ્ટ્રઃ લોનાવાલામાં ભૂસ્ખલન, મુંબઈ-પુણે હાઈવે પર ટ્રાફિક
મહારાષ્ટ્રમાં મેઘરાજાના અત્યંત રૌદ્ર અને વિનાશક સ્વરૂપે રાજ્યભરમાં જનજીવનને ખોરવી નાખ્યું છે. ખાસ કરીને પ્રવાસન સ્થળ લોનાવાલા જવા માંગતા પ્રવાસીઓ માટે અત્યારે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે લોનાવાલાના જાણીતા રાજમાચી રોડ પર ભારે ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે માર્ગ પર વિશાળ પથ્થરો અને માટીનો કાટમાળ આવી જતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. પ્રશાસને સાવચેતીના ભાગરૂપે તમામ પ્રવાસીઓને આ વિસ્તારમાં ન આવવા અને અત્યંત સાવચેત રહેવા માટે કડક સૂચનાઓ આપી છે. વરસાદની આ વિકરાળ સ્થિતિને જોતા પ્રવાસીઓના સલામતીના પ્રશ્નો ફરી એકવાર ગંભીર બની ગયા છે, અને પ્રશાસન દ્વારા પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે.
આ સાથે જ નવી મુંબઈમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે હાઈવે પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને બોરલે પુલ પાસે પાણી ભરાઈ જવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હોવાના અહેવાલ છે. શહેરી વિસ્તારોની સ્થિતિ એટલી ખરાબ છે કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ઘરોમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી હતી. અનેક સ્થળોએ પાણી ભરાઈ રહેવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદને કારણે સર્જાયેલી આ કટોકટીભરી પરિસ્થિતિમાં NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. મુંબઈમા સતત પડી રહેલા વરસાદ વચ્ચે અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી ધવાની ઘટના બની છે. જેના કારણે રસ્તા બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે અને લોકો સહાય માટે વલખા મારી રહ્યા છે. મેઘરાજાનો આ મિજાજ આગામી દિવસોમાં મહારાષ્ટ્ર માટે વધુ પડકારો લઈને આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

