VIDEO: ANDAR NI VAAT/ આસામમાં પૂરથી ભારે તબાહી, માજુલીમાં ફેરી સેવાઓ ખોરવાઈ
આસામમાં ચોમાસાની મોસમ ફરી એકવાર વિનાશનું કારણ બની છે. રાજ્યના જોનાઈ, માજુલી સહિતના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના વધેલા જળસ્તરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જોનાઈ વિસ્તારમાં નદીના પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા હોવા છતાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. અનેક ગામોમાં ઘરો અને ખેતરોમાં કાદવ-કીચડનો ઢગલો જોવા મળી રહ્યો છે. હજારો કાચા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક પરિવારો હજુ પણ રાહત શિબિરો અથવા હાઇવે કિનારે તાડપત્રી બાંધીને રહેવા મજબૂર બન્યા છે. પૂરના કારણે પીવાના શુદ્ધ પાણીની ભારે અછત સર્જાઈ છે. કુવા અને હેન્ડપંપ દૂષિત બનતા લોકો સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી રાહત સામગ્રી પર નિર્ભર બન્યા છે. હજારો હેક્ટરમાં ડાંગરનો પાક નાશ પામતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, જ્યારે અનેક પશુઓના મોત અને ઘાસચારાની અછત પણ ચિંતાનો વિષય બની છે. બીજી તરફ ગંદકી અને પાણી ભરાવાને કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ડાયરિયા જેવા રોગચાળાનો ખતરો પણ વધ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

