VIDEO: ANDAR NI VAAT/ ભક્તોની આતુરતાનો આવ્યો અંત, પહેલગામથી અમરનાથ યાત્રા થઈ શરૂ
બાબા બર્ફાનીના દર્શનની આતુરતાથી રાહ જોતા ભક્તોની આતુરતાનો આજે અંત આવ્યો છે. જમ્મુ કશ્મીરના પહેલગામથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો નુનવાન બેઝ કેમ્પથી અમરનાથ જવા રવાના થયો છે. સમગ્ર યાત્રાના રૂટ પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. બાબા અમરનાથની પવિત્ર યાત્રા શરૂ થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો પહેલગામના નુનવાન બેઝ કેમ્પથી ભારે ઉત્સાહ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થયો હતો. નુનવાન બેઝ કેમ્પમાં ભક્તોનો ઉત્સાહ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો હતો. હર હર મહાદેવ અને બમ બમ ભોલે ના નારા લગાવતા યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન માટે પોતાની યાત્રા શરૂ કરી. યાત્રા રૂટ પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે સલામત અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી દેખરેખ, તબીબી કેમ્પ, કટોકટી સેવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. યાત્રાળુઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમને બાબા અમરનાથના દર્શન કરવાની તક મળી. બાલટાલમાં અમરનાથ યાત્રાળુ માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાંથી શ્રદ્ધાલુઓ યાત્રા શરૂ કરી રહ્યા છે.
પહેલગામમાં નુનવાન બેઝથી પ્રથમ જથ્થો યાત્રા માટે રવાના થતા જમ્મુમાં યાત્રાળુઓનો બીજો તબક્કો આગળ વધ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓના રજીસ્ટ્રેશન બાદ બીજો જથ્થો ચંદ્રકોટથી બાલતાલ રૂટ તરફ કડક સુરક્ષા વચ્ચે રવાના થયો. સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રે સમગ્ર રૂટ પર સલામત અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સુરક્ષા દળોની દેખરેખ હેઠળ વાહનોનો કાફલો સમયપત્રક મુજબ આગળ વધ્યો. માર્ગ પર વિવિધ સ્થળોએ સુરક્ષા તપાસ, દેખરેખ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રાને દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાધામોમાંનું એક માનવામાં આવે છે. સમગ્ર રૂટ પર સુરક્ષા દળો દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત અનેક જગ્યાએ બેઝ કેમ્પમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓ કોઈ પણ પ્રકારની અડચણ વગર બાબા બર્ફાનીના દર્શન કરી શકે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

