VIDEO: ANDAR NI VAAT/ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટતાં ભારે વિનાશ, ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ થયા
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 48 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદ વચ્ચે ડોડા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત બન્યો છે, જ્યાં ભાલેસાના ખલજુગાસેર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે તારાજી સર્જી છે. અચાનક આવેલા પાણીના પ્રચંડ પ્રવાહે ખેતરો, બગીચાઓ, રહેણાંક મકાનો અને સ્થાનિક લોકોની મિલકતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. અનેક ગ્રામ્ય માર્ગો પર કાદવ અને કાટમાળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જ્યારે કેટલાક રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.
બીજી તરફ ભૂસ્ખલનથી બંધ થયેલા માર્ગો પર મશીનરી તૈનાત કરીને કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, જેથી વાહનવ્યવહાર ફરી શરૂ કરી શકાય. કેટલાક વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા લોકોને નદી-નાળાઓ અને સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. ડોડા જિલ્લામાં સર્જાયેલી આ કુદરતી આફતે ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે ખેતરોમાં ઉભેલા પાક અને બગીચાઓ વરસાદી પાણીમાં તબાહ થઈ ગયા છે. પ્રશાસન અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરી રહ્યું છે અને લોકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સમગ્ર વિસ્તાર પર પ્રશાસનની ચાંપતી નજર છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

