VIDEO/ ડોડામાં ભારે હિમવર્ષા બાદ કુદરતે ઓઢી સફેદ ચાદર, પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ
જમ્મુ-કાશ્મીરમાં બદલાયેલા હવામાનના મિજાજ વચ્ચે કુદરતનું અદભૂત સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. રાજ્યના ડોડા જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ હવે પહાડો પર તાજો હિમવર્ષા (Snowfall) થયો છે. ચારેતરફ બરફની સફેદ ચાદર છવાઈ જતાં સમગ્ર ડોડા પંથક અત્યંત મનોહર અને નયનરમ્ય બની ગયું છે.
કુદરતનું મનોહર સ્વરૂપ
ડોડામાં થયેલા આ તાજા હિમવર્ષાને કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્વતો, વૃક્ષો અને મકાનો બરફથી ઢંકાઈ જતાં કાશ્મીરની આ વાદીઓ જાણે સાક્ષાત સ્વર્ગ સમાન ભાસી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ સુંદર દ્રશ્યોના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે.
તાપમાનમાં ધરખમ ઘટાડો
એક તરફ હિમવર્ષાને કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે, તો બીજી તરફ સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. હિમવર્ષાના પરિણામે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. સ્થાનિક લોકો ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી શકે છે. આ હિમવર્ષાને કારણે આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, જે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.
જોકે, તંત્ર દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેતી રાખવા અને હિમવર્ષા દરમિયાન પહાડી રસ્તાઓ પર મુસાફરી ટાળવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

