VIDEO : જંગલી હાથી સાથે સેલ્ફી લેવી યુવકને ભારે પડી, 'ગજરાજ'એ કર્યો જીવલેણ હુમલો
કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાંથી એક ચોંકાવનારો વિડિયો વાયરલ થયો છે, જેમાં એક હાથીએ સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલા એક યુવાન (Elephant Attack Man) પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના રવિવારે સાંજે ચામરાજનગર જિલ્લાના કેક્કનહલ્લી રોડ પર બની હતી. આ હુમલાનો વિડિયો જેણે પણ જોયો છે તે ગભરાઈ ગયો છે.
વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાથી યુવાનને જોઈને ગુસ્સે થઈ જાય છે અને પછી તેની પાછળ દોડે છે. વીડિયોમાં તમે જોશો કે યુવાન ભાગવાનો પ્રયાસ કરતી વખતે રસ્તા પર પડી જાય છે. આ પછી, હાથી તેને પગથી જોરથી લાત મારીને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. આ જોઈને ત્યાં હાજર અન્ય લોકો અને વાહનોમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા.
આ ભયાનક હુમલામાં યુવાન બચી ગયો, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયો. તેના મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો. આ વિડિયો સ્થાનિકો અને વન્યજીવન પ્રેમીઓમાં ગુસ્સાનું કારણ બન્યો છે. નેટીઝન્સ યુવાનની બેદરકારીની કઠોર શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. આ વિડિયોની GSTV પુષ્ટિ નથી કરતું.

