Viral News: લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ! જાન લઈને આવેલા વરરાજાનું સાત ફેરા લેતા પહેલાં જ મોત

મોતિહારીના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. લગ્ન સમારોહ દરમિયાન વિધિઓ કરતી વખતે વરરાજાની અચાનક તબિયત બગડતા મોત થયું હતું. એક તરફ જ્યાં જાનમાં ખાવાપીવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. તો બીજી તરફ મંડપમાં લગ્નની વિધિ કરવામાં આવી રહી હતી. દુલ્હન સાથે સાત ફેરા લેતા પહેલા અચાનક વરરાજાની તબિયત ખરાબ થઈ ગઈ અને તેનું મોત થઈ ગયું.
માહિતી મુજબ, મઝૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભરવલિયા ગામના રહેવાસી 25 વર્ષીય શક્તિનાથ શર્માની જાન મોતિહારી જિલ્લાના રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારના ચીકની ગામમાં આવી હતી. લગ્નની વિધિઓ ચાલી રહી હતી અને વર-કન્યા મંડપમાં બેઠા હતા, ત્યારે અચાનક વરરાજાની તબિયત બગડી અને મોત થયું.
લગ્નની રસ્મ દરમિયાન અચાનક વરરાજા નીચે ઢળી પડ્યો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જાન ધુમધામથી ઢોલ વાજા સાથે કન્યા પક્ષના દરવાજે પહોંચી હતી. જ્યાં કન્યા પક્ષ દ્વારા જાન પાર્ટી માટે ભોજન (નાસ્તા-ખાના)ના આયોજન સાથે લગ્નની વિધિઓ મંડપમાં ચાલી રહી હતી. ત્યારે અચાનક વરરાજાના પેટમાં જોરદાર દુખાવો ઉપડ્યો. પરિવારજનો તરત જ તેને સારવાર માટે રામગઢવા બજારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રક્સૌલ સ્થિત એસઆરપીએસ હોસ્પિટલમાં રેફર કર્યો.
બીજી તરફ વરરાજા રક્સૌલ એસઆરપીએસ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. વરરાજાના મોતની જાણ થતાં જ વર પક્ષ અને કન્યા પક્ષના પરિવારજનોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
પરિવારમાં સૌથી નાનો હતો શક્તિનાથ શર્મા
મૃતક વરરાજા શક્તિનાથ શર્મા ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. જોકે, વરરાજાના માતા-પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. વરરાજાના મોટા ભાઈએ જ વાલી તરીકે લગ્ન નક્કી કર્યા હતા. ઘટના બાદ મૃતક વરરાજાના પિતૃક ગામ ભરવલિયામાં શોકની લહેર સાથે ચર્ચાનો વિષય બન્યો છે. મામલો પાછલા ગુરુવારે રાતનો હોવાનું કહેવાય છે. જે ઘરમાં દુલ્હનની વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી, તે ઘર આ સમાચારથી પૂરેપૂરું તૂટી ગયું. દુલ્હનની પણ રડી-રડીને ખરાબ હાલત છે.

