VIRAL VIDEO: મોતના મુખમાંથી પાછા ફર્યા પ્રવાસીઓ! પલક ઝબકતા જ ફાટ્યો જ્વાળામુખી
સોશિયલ મીડિયા પર આ સમયે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. જરા વિચારો, તમે પહાડો પર સુંદર વાતાવરણની મજા માણી રહ્યા હોવ અને અચાનક આકાશમાંથી સળગતા અંગારા વરસવા લાગે તો શું થાય? આવો જ એક ભયાનક મંજર ગ્વાટેમાલા (Guatemala) ના ‘વોલ્કાન ડી ફ્યુગો’ (Volcán de Fuego) જ્વાળામુખી પર જોવા મળ્યો, જ્યાં ટ્રેકિંગ કરવા ગયેલા કેટલાક પ્રવાસીઓનો સામનો સીધો મોત સાથે થયો. જ્વાળામુખી અચાનક એટલી ઝડપે ફાટ્યો કે લોકોને સંભાળવાની તક જ ન મળી. ચારેય બાજુ ચીસાચીસ મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આડેધડ નીચેની તરફ ભાગવા લાગ્યા.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી આગના ગોળા અને સળગતા પથ્થરો નીચે પડી રહ્યા છે. વીડિયોમાં એક પર્વતારોહક ડરના માર્યા પૂરી તાકાતથી બૂમો પાડી રહ્યો છે, "હે ભગવાન, આ શું થઈ રહ્યું છે! ભાગો, ભાગો..." આ ભયાનક નાસભાગ વચ્ચે એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વગર એક અબોલ કૂતરાને ખોળામાં ઉપાડીને ભાગતો જોવા મળ્યો. તો બીજી તરફ, કેટલાક લોકો નીચે પડી રહેલા ગરમ લાલચોળ પથ્થરોને ઠંડા કરવા માટે તેના પર પાણીની બોટલો ખાલી કરી રહ્યા હતા.
મોતના મુખમાંથી પાછી આવી મહિલા
આ અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચેલી હાના ગાર્સિયાએ પોતાનો ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, "જ્વાળામુખી ફાટ્યો અને હું તેનો વીડિયો બનાવી રહી હતી, ત્યાં જ મેં ઉપર જોયું તો આગના ગોળા સીધા અમારી તરફ આવી રહ્યા હતા. એક સળગતો પથ્થર સીધો મારા કોટને ચીરીને નીકળી ગયો, તે બસ મારા માથા પર જ પડવાનો હતો. હું આઘાતમાં સરી પડી અને કેમેરો છોડીને બસ ભાગવા લાગી. આ એક એવો ભયાનક મંજર હતો, જેને હું જિંદગીભર ભૂલી શકીશ નહીં."
દર 15 મિનિટે ફાટે છે આ જ્વાળામુખી
ગ્વાટેમાલા સિટીથી લગભગ 43 કિલોમીટર દૂર આવેલો ‘વોલ્કાન ડી ફ્યુગો’ દેશનો સૌથી ખતરનાક અને સક્રિય (Active) જ્વાળામુખી છે. તે દર 15 થી 20 મિનિટમાં નાના-નાના વિસ્ફોટ કરતો રહે છે. પરંતુ ક્યારેક-ક્યારેક અત્યંત ઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે. વર્ષ 2018માં પણ તેમાં આવો જ એક ભયાનક વિસ્ફોટ થયો હતો, જેણે આસપાસના કેટલાય ગામોને જીવતા દફનાવી દીધા હતા અને 100 થી વધુ લોકોના જીવ લીધા હતા.

