VIDEO: VIRAL / સુપરમાર્કેટમાં ખરીદી દરમિયાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ છત, કાટમાળમાં ફસાયા 27 લોકો
વિચારો કે તમે કોઈ સુપરમાર્કેટમાં આરામથી કરિયાણાની ખરીદી કરી રહ્યા હોવ અને અચાનક તમારા માથા પર આખેઆખી છત આવી પડે? અમેરિકાના ન્યૂજર્સીમાં એક આવી જ રૂંવાડા ઉભા કરી દે તેવી ભયાનક દુર્ઘટના સામે આવી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદની વચ્ચે 6 જુલાઈ એટલે કે સોમવારે એક મોટા સુપરમાર્કેટની છતનો મોટો હિસ્સો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય.
શોપિંગ દરમિયાન અચાનક પડી બીજેસ હોલસેલ ક્લબની છત
આ ચોંકાવનારી ઘટના ન્યૂજર્સીના મનમથ કાઉન્ટીની છે. અહીં ઓશન ટાઉનશિપમાં આવેલા બીજેસ હોલસેલ ક્લબમાં રોજની જેમ લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. સવારના આશરે સવા અગિયાર વાગ્યા હતા, ત્યારે જ પલક ઝપકતામાં સ્ટોરની છતનો એક મોટો ભાગ ધડાકાભેર નીચે આવી પડ્યો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો શાંતિથી સામાન જોઈ રહ્યા હતા અને અચાનક છત પડવાની સાથે જ સ્ટોરની અંદર પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો.
કાટમાળમાં ફસાયા 27 લોકો, મચી ગઈ ચીસાચીસ
એક અહેવાલ મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે સુપરમાર્કેટની અંદર 27 લોકો હાજર હતા. છત પડતાની સાથે જ આખા સ્ટોરમાં ચીસાચીસ મચી ગઈ અને ચારેય તરફ કાટમાળ વિખરાઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે બે લોકો કાટમાળમાં આંશિક રીતે ફસાયા હતા, પરંતુ તેમણે હિંમત ન હારી અને સૂઝબૂઝથી પોતાની જાતે જ બહાર નીકળી આવ્યા. સદનસીબે આટલી મોટી દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ પણ થયું નથી. તમામ 27 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ડ્રોન અને ડોગ સ્ક્વોડે સંભાળ્યું રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. પોલીસ અને શેરિફ ઓફિસની ટીમોએ કાટમાળમાં અન્ય કોઈ દબાયેલું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેસ્ક્યૂમાં હાઈટેક ઇન્ડોર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે જોખમી બનેલી બિલ્ડિંગની અંદર જઈને તસવીરો લીધી હતી. સાથે જ ન્યૂજર્સી અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યૂની કે-9 ડોગ સ્ક્વોડ ટીમે પણ કાટમાળની બારીકાઈથી તપાસ કરી જેથી એ પાકું કરી શકાય કે અંદર કોઈ બીજું ફસાયેલું તો નથી ને.
મનમથ કાઉન્ટીના શેરિફ શૉન ગોલ્ડેને આ મુશ્કેલ સમયમાં બચાવ કામગીરી કરનાર ટીમની તત્પરતાના વખાણ કર્યા છે. બીજી તરફ, ઓશન ટાઉનશિપના પોલીસ ચીફ માઈકલ સોરેન્ટિનોએ લોકોને હાલ પૂરતું આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે.

