VIDEO: VIRAL / લ્યો બોલો! ચાઈનીઝ મંચુરિયનમાંથી નીકળ્યો મરેલો ઉંદર, વીડિયો થયો વાયરલ
દુનિયાભરમાં આજકાલ રેસ્ટોરન્ટ અને હોટેલનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. મોટાભાગના લોકો અવારનવાર હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાતા જોવા મળે છે. પરંતુ, ઘણી વખત ત્યાં ગ્રાહકો સાથે એવું કંઈક બની જાય છે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં ગ્રાહકે ગરમાગરમ મંચુરિયન મંગાવ્યું હતું. પરંતુ, જેવું ખાવા માટે તેમાંથી એક પીસ ઉપાડ્યો કે તેના હોશ ઊડી ગયા. કારણ કે, તે મંચુરિયનમાં એક મરેલો ઉંદર નીકળ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ ચોંકાવનારી ઘટના સુરતના સચિન વિસ્તારની છે. જ્યાં એક પ્રખ્યાત ચાઈનીઝ ફૂડ આઉટલેટમાં ગ્રાહકે મંચુરિયન ઓર્ડર કર્યું હતું. થોડી જ વારમાં ગ્રાહકને ડિશ પીરસવામાં આવી હતી. ગ્રાહકે પણ મોડું કર્યા વગર ખાવા માટે તેમાંથી એક પીસ ઉપાડ્યો. પરંતુ, અચાનક તેની નજર મંચુરિયનની વચ્ચે પડી, જ્યાં તેને એક વિચિત્ર કાળા રંગની વસ્તુ દેખાઈ. જ્યારે તેણે તે વસ્તુને ધ્યાનથી જોઈ તો તે દંગ રહી ગયો, કારણ કે તે એક મરેલો ઉંદર હતો. તેણે તરત જ આ આખી ઘટનાનો વિડીયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.
આઉટલેટ પર દંડ ફટકારાયો
જેવો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો કે તરત જ તે વાયરલ થઈ ગયો. આ મામલાને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, વિડીયો જોઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ તરત જ એક્શનમાં આવી ગયું હતું. અધિકારીઓએ આઉટલેટ પર દરોડા પાડ્યા, જ્યાં સાફ-સફાઈના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા. વિભાગે આઉટલેટને નોટિસ પણ પાઠવી છે અને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

