VIDEO: કૂવામાં ખાબકેલા દીપડાનું દિલધડક રેસ્ક્યુ, રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દીપડો કૂવામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વન વિભાગના કર્મચારીઓ દોરડા વડે દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આ ઘટના ગુજરાતના ભાવનગરની છે. જંગલમાંથી ભટકીને ગ્રામીણ વિસ્તારમાં આવી ચઢેલો દીપડો એક કૂવામાં ખાબક્યો હતો. વન વિભાગે ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કર્યું હતું. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડો અત્યંત ગભરાયેલો હતો.
આ વીડિયો એટલા માટે ખાસ છે કારણ કે, અન્ય પ્રાણીઓ માટે અત્યંત ખતરનાક અને હિંસક ગણાતો દીપડો પોતે લાચાર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. કૂવામાંથી બહાર નીકળવા માટે તેને દોરડાના ફાંસામાં ફસાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આખરે વનકર્મીઓ દીપડાને ફાંસામાં સુરક્ષિત રીતે ફસાવવામાં સફળ રહ્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો કૂવાની વચ્ચે રહેલી એક શિલા (પથ્થર) પર બેબસ બનીને બેઠો છે. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ દોરડાનો ફાંસો બનાવીને નીચે નાખ્યો અને તેમાં દીપડાને ફસાવવાનો પ્રયાસ કર્યો. ફાંસામાં ફસાયા પછી પણ દીપડો હલનચલન કરી રહ્યો ન હતો. અંતે અનેક લોકોએ ભેગા મળીને જોર લગાવ્યું ત્યારે તે ધીમે-ધીમે ઉપર આવ્યો હતો.
જ્યારે દીપડાને ઉપર ખેંચવામાં આવી રહ્યો હતો ત્યારે તેની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. વન વિભાગના કર્મચારીઓએ ઉપર પહેલાથી જ પાંજરૂં તૈયાર રાખ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે આસપાસ જાળી પણ લગાવવામાં આવી હતી, જેથી ગભરાયેલો દીપડો કોઈ પણ સંજોગોમાં વનકર્મીઓ પર હુમલો ન કરી શકે.
જેવો દીપડાને ઉપર લાવવામાં આવ્યો, તે સીધો પાંજરામાં જતો રહ્યો હતો. આ આખી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રેસ્ક્યુ દરમિયાન દીપડો લાચાર અને ડરેલો જોવા મળ્યો હતો.

