Viral Video: આંખના પલકારે પથ્થરોમાં સમાઈ ગઈ આખી નદી, કુદરતનું આ રહસ્ય જોઈને લોકો દંગ રહી ગયા
કુદરત હંમેશા તેની અકલ્પનીય ઘટનાઓથી માનવજાતને આશ્ચર્યચકિત કરતી આવી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ દિલધડક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક પહાડી નદી પથ્થરો વચ્ચે પહોંચતા જ રહસ્યમય રીતે ગાયબ થતી જોવા મળે છે. નદીના એક છેડે પાણીનો પ્રચંડ પ્રવાહ છે, જ્યારે પથ્થરોની બીજી તરફ જમીન સાવ કોરીધાક છે. આ દ્રશ્ય જોઈને યુઝર્સ મુંઝવણમાં મુકાયા છે કે આખરે આટલું બધું પાણી જાય છે ક્યાં?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પહાડોની વચ્ચેથી પૂરપાટ ઝડપે વહેતી નદી અચાનક પથ્થરોની એક મોટી શિલા પાસે આવીને લુપ્ત થઈ જાય છે. જ્યાં એક તરફ પાણીનો પ્રચંડ અવાજ સંભળાય છે, ત્યાં પથ્થરની બીજી તરફનું દ્રશ્ય તદ્દન વિપરીત છે. પ્રવાહ આગળ વધવાને બદલે જાણે જમીનમાં ગરકાવ થઈ રહ્યો હોય તેમ જણાય છે. પ્રથમ દ્રષ્ટિએ આ કોઈ ચમત્કાર જેવું લાગે છે, પરંતુ વૈજ્ઞાનિકોના મતે આ એક કુદરતી પ્રક્રિયા હોઈ શકે છે.
આ નદી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદે વહેતી શારદા નદીનો હોવાનું જણાવાયું છે. અત્યાર સુધી આ વીડિયોને 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જોકે, કેટલાક યુઝર્સ આ વીડિયોને 'એડિટેડ' અથવા 'AI જનરેટેડ' ગણાવી રહ્યા હતા, પરંતુ તપાસ કરતા આ ઘટના વાસ્તવિક હોવાનું સામે આવ્યું છે.

