ગંભીર આરોપો છતાં યશ દયાલની ટીમમાં વાપસી, યુપીસીએએ આપી રમવાની મંજૂરી

ભારતીય ક્રિકેટ જગત અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેપ અને પોક્સો (POCSO) એક્ટ જેવા અત્યંત ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર યશ દયાલનો ઉત્તર પ્રદેશ રાજ્યના રણજી ટ્રોફી કેમ્પમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રમત ગમતના ક્ષેત્રમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે દયાલ પર એક નહીં પણ બે અલગ-અલગ કિસ્સાઓમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે.
યુપીસીએ (UPCA) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અંકિત ચેટર્જીએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે કે યશ દયાલ (Yash Dayal) આ વર્ષે રાજ્યની ટીમમાં પસંદગી માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ રહેશે. આ ઘટનાક્રમ એટલા માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે ગયા વર્ષે ઓગસ્ટ 2025માં યુપીસીએ દ્વારા જ આ ગંભીર આરોપોના લીધે યશ દયાલને યુપી ટી20 લીગમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. એ સમયે ગાઝિયાબાદ અને જયપુરમાં દયાલ સામે નોંધાયેલા કેસોએ તેની ક્રિકેટ કારકિર્દી પર બ્રેક લગાવી દીધી હતી. રાજ્યની ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ યશ દયાલની કારકિર્દી અદ્ધરતાલ થઈ ગઈ હતી. હતાશ થઈને તેણે યુપી ક્રિકેટ બોર્ડ પાસે એનઓસી (NOC) ની માંગ કરી હતી, જેથી તે છત્તીસગઢની ટીમ સાથે જોડાઈને પોતાનું ઘરેલું ક્રિકેટ રમી શકે. જોકે, અહેવાલો મુજબ, ત્યારબાદ યુપીસીએના અધિકારીઓએ મધ્યસ્થી કરી હતી અને દયાલને એવી ખાતરી આપી હતી કે તેને ભવિષ્યમાં રાજ્ય માટે ફરીથી રમવાની તક ચોક્કસ મળશે. આ ભરોસા બાદ જ તેણે પોતાની ટીમ બદલવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો.
ગાઝિયાબાદમાં નોંધાઈ હતી પહેલી એફઆઈઆર (FIR)
યશ દયાલની કાનૂની મુશ્કેલીઓ જુલાઈ 2025 માં ત્યારે શરૂ થઈ, જ્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેની સામે પહેલી એફઆઈઆર નોંધાઈ. એક મહિલાએ તેના પર લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. મહિલાનો દાવો હતો કે તે દયાલ સાથે છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતી. જોકે, ફાસ્ટ બોલરે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. તેનું કહેવું હતું કે આ સંબંધ સંપૂર્ણપણે પરસ્પર સંમતિથી હતો અને આઈપીએલ (IPL)માં મળેલી સફળતા અને નામના પછી આ મામલો માત્ર તેની પાસેથી પૈસા પડાવવાનું એક કાવતરું છે.
જયપુરમાં પોક્સો એક્ટ હેઠળ બીજો કેસ
આ વિવાદ હજુ શાંત પણ નહોતો થયો કે તેના થોડા જ સમય બાદ રાજસ્થાનના જયપુરમાં તેની સામે બીજી એફઆઈઆર દાખલ થઈ ગઈ. આ મામલો પહેલા કેસ કરતાં પણ વધુ ગંભીર હતો કારણ કે તે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દયાલ પર વર્ષ 2023 અને ત્યારબાદ એપ્રિલ 2025 માં એક સગીરા સાથે વારંવાર યૌન શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ 2025માં રાજસ્થાન હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને તેને કોઈ પણ વચગાળાની રાહત આપવાની કે તેની સંભવિત ધરપકડ પર રોક લગાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મળી અંશતઃ રાહત
જોકે, આ વર્ષે જુલાઈમાં યશ દયાલને ગાઝિયાબાદવાળા પહેલા મામલામાં થોડી કાનૂની રાહત મળી હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ સંજય કુમાર પચોરીની અધ્યક્ષતાવાળી સિંગલ બેંચે ક્રિકેટર સામે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ રાહત છતાં, હકીકત એ છે કે યશ દયાલને હજુ સુધી કોઈ પણ કેસમાં અદાલતમાંથી ક્લિનચીટ કે નિર્દોષ છુટકારો મળ્યો નથી અને બંને મામલા હાલમાં અદાલતમાં વિચારાધીન છે.

