IND vs ENG / શું ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ છેલ્લા દિવસે બેટિંગ કરવા ઉતરશે? જો રૂટે આપ્યો જવાબ

લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની છેલ્લી મેચ હાલમાં રોમાંચક વળાંક પર છે. ટીમ ઈન્ડિયાને છેલ્લા દિવસે જીતવા માટે 4 વિકેટની જરૂર છે, ત્યારે ઈંગ્લિશ ટીમને વધુ 35 રન બનાવવાની જરૂર છે. હવે આ દરમિયાન પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ છેલ્લા દિવસે બેટિંગ કરવા ઉતરશે કે નહીં. ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.
જો રૂટે જણાવ્યું કે શું ક્રિસ વોક્સ બેટિંગ કરશે?
ક્રિસ વોક્સ ઓવલ ટેસ્ટ મેચના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. ખભાની ઈજાને કારણે, તેણે આ ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગ નથી કરી. જોકે, બધા ફેન્સ જાણવા માંગે છે કે શું તે મુશ્કેલ સમયમાં ઈંગ્લિશ ટીમ માટે બેટિંગ કરવા ઉતરશે કે નહીં. ચોથા દિવસ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, અનુભવી ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટે આનો જવાબ આપતા કહ્યું, 'ક્રિસ વોક્સ ખૂબ પીડામાં છે. અમે આ સિરીઝમાં જોયું છે, પંતે તૂટેલા પગ સાથે બેટિંગ કરી છે, વોક્સ ઈંગ્લેન્ડ માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર છે.'
ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધશે
ક્રિસ વોક્સે પહેલી ઈનિંગમાં બેટિંગ નહતી કરી. જેના કારણે ઈંગ્લિશ ટીમની ઈનિંગ 9 વિકેટ પડતાની સાથે જ સમાપ્ત થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં, ટીમ ઈન્ડિયા આશા રાખશે કે તેને ફક્ત 9 વિકેટ પાડવી પડશે. ઈંગ્લિશ ટીમ જીતથી ફક્ત 35 રન દૂર છે, આવી સ્થિતિમાં, જો વોક્સ એક છેડે ઉભો રહે, તો પણ બીજા છેડેથી રન બનાવી શકાય છે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઘણી વધવાની છે. જોકે, બધાની આશા મોહમ્મદ સિરાજ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા પર ટકેલી છે.

