VIDEO: અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ પહેલા વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે લીધી નિવૃત્તિ, શેર કરી ભાવુક પોસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિ લીધી હોવાની માહિતી ફેન્સ સાથે શેર કરી છે.
લાંબા સમયથી તક મળતી ન હતી!
ભારત માટે 7 ટેસ્ટ રમી ચૂકેલો ભરત અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પરંતુ એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતના બેકઅપ તરીકે ટીમ ઈન્ડિયા સાથે રહેનારા ભરતને લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં તક નહતી મળી રહી. 32 વર્ષના ભરતે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં રમી હતી.
'દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની વાત'
કેએસ ભરતે નિવૃત્તિ અંગે પોસ્ટ કરતા સૌથી પહેલા 'આભાર BCCI' લખ્યું. બાદમાં કહ્યું, "ગર્વ અને કૃતજ્ઞતાની ભાવના સાથે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની વાત રહી છે. મારી આ સફરમાં ઘણી ધીરજ અને દ્રઢતાની જરૂર પડી છે, પરંતુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક અમૂલ્ય ક્ષણ છે. ચાર લોકોના પરિવારમાં, અમે બધાએ બે દાયકાથી એક જ સપનું જીવ્યું છે. મારી બહેન, માતા અને પિતાનો ખુબ ખુબ આભાર જેમણે મને આવું વાતાવરણ અને સહયોગ આપ્યો. હું તેમના પ્રેમ, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છું."
કેએસ ભરતનું કરિયર
કેએસ ભરતે પોતાની કરિયરમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યું. તેણે 7 ટેસ્ટ રમી. આ મેચોની 12 ઈનિંગ્સમાં બેટિંગ કરતા તેમણે 20.09ની એવરેજથી 221 રન બનાવ્યા, જેમાં હાઈએસ્ટ સ્કોર 44 રનનો રહ્યો. જ્યારે ફર્સ્ટ ક્લાસ કરિયર પર નજર કરીએ તો, તેણે 113 મેચોની 180 ઇનિંગ્સમાં 61.32ની એવરેજથી 6102 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે.

