VIDEO: અફઘાનિસ્તાન સામેની સિરીઝ પહેલા જ ભારતને લાગ્યો ઝટકો, ઈજાના કારણે ODI ટીમમાંથી બહાર થયો વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમને આગામી 13 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી 3 મેચોની ODI સિરીઝ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરી (Hamstring Injury) ના કારણે આ આગામી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. અહેવાલ અનુસાર, કોહલીને આ ઈજા તાજેતરમાં જ સમાપ્ત થયેલી IPL 2026ની ફાઈનલ મેચ દરમિયાન થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલીની અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે અગાઉથી જ ટીમમાં પસંદગી થઈ ચૂકી હતી, તેથી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટૂંક સમયમાં જ તેના રિપ્લેસમેન્ટ (વૈકલ્પિક ખેલાડી) ની જાહેરાત કરવી પડશે. જોકે, હજુ સુધી આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું. પરંતુ એક સૂત્રએ જાણીતી મીડિયા એજન્સી સામે આ મામલે ફોડ પાડ્યો હોવાની ચર્ચા છે.
વિરાટને આ ઈજા ક્યારે થઈ?
IPL 2026ની ફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલીએ અંત સુધી બેટિંગ કરીને મેચ ફિનિશ કરી હતી, પરંતુ મેચ દરમિયાન બ્રેક વખતે તે મેદાન પર સૂઈને ફિઝિયો પાસેથી ટ્રીટમેન્ટ લેતો જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે જ સમયે તેને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી અથવા ત્યારબાદ ટ્રેનિંગ સેશન દરમિયાન આ ઈજા વધી ગઈ હોઈ શકે છે. IPL પૂરી થયા બાદ કોહલી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શને ગયો હતો અને ત્યાંથી દિલ્હી થઈને મુંબઈ રવાના થઈ ગયો હતો.
રોહિત શર્માની ફિટનેસ પર પણ સવાલ
કોહલી સિવાય ભારતીય ટીમ માટે રોહિત શર્માની ફિટનેસ પણ ચિંતાનો વિષય બનેલી છે. રોહિતને આ સિરીઝ માટે ટીમમાં પસંદ તો કરાયો છે, પરંતુ તે IPLની છેલ્લી કેટલીક મેચોમાં માત્ર 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમ્યો હતો અને ઘણી મેચો તેણે મિસ પણ કરી હતી.
IPL 2026 માં વિરાટનું દમદાર પ્રદર્શન
વિરાટ કોહલી માટે IPL 2026ની સિઝન શાનદાર રહી હતી. RCB તરફથી રમતા તેણે 16 મેચોમાં 1 સદી સાથે 675 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં અણનમ 75 રનની શાનદાર ઈનિંગ રમીને તે 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો અને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવી હતી. નોંધનીય છે કે વિરાટ કોહલી ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે માત્ર ODIડે ફોર્મેટ જ રમે છે. તેવામાં ફેન્સ તેને ફરી બ્લુ જર્સીમાં જોવા આતુર હતા, પરંતુ હવે ઈજાના કારણે તેણે આ સિરીઝ ગુમાવવી પડી છે.

