Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Why is Virat Kohli suddenly ready to play domestic cricket

ઘરેલુ ક્રિકેટ રમવાની અનિચ્છા દર્શાવતા વિરાટ કોહલીએ અચાનક શા માટે બદલ્યો નિર્ણય? સામે આવ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ઘરેલુ ક્રિકેટ રમવાની અનિચ્છા દર્શાવતા વિરાટ કોહલીએ અચાનક શા માટે બદલ્યો નિર્ણય? સામે આવ્યું કારણ
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના વારંવારના આગ્રહ છતાં ઘરેલુ ક્રિકેટ રમવાની અનિચ્છા દર્શાવતા વિરાટ કોહલીએ અચાનક પોતાનો વિચાર બદલી નાખ્યો છે. હવે એવા અહેવાલો છે કે કોહલી આગામી વિજય હઝારે ટ્રોફીમાં રમશે. જોકે, આ નિર્ણય પાછળનું કારણ રસપ્રદ છે. રાંચી ODIમાં આપેલું તેનું નિવેદન BCCIને પસંદ ન આવતા, કોહલીએ ઘરેલુ ક્રિકેટ રમવા માટે સંમતિ આપી હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, કોહલી 16 વર્ષના લાંબા ગાળા બાદ આ ઘરેલુ ODI ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

App Store

કયું નિવેદન BCCIને ન ગમ્યું?

અહેવાલો અનુસાર, રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની મેચ વિનિંગ ઈનિંગ (135 રન) પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે ઓવર-પ્રિપરેશનમાં નથી માનતો. તેણે કહ્યું કે, "હું ક્યારેય વધુ પડતી તૈયારીમાં વિશ્વાસ નથી રાખતો. મારું આખું ક્રિકેટ માનસિક છે. જ્યાં સુધી હું માનસિક રીતે મજબૂત અનુભવું છું, ત્યાં સુધી હું રમી શકું છું."

અનુભવ પર ભાર મુકતા કોહલીએ જમાવ્યું હતું કે, "મેં 300 ODI રમી છે અને 15-16 વર્ષથી ઘણું ક્રિકેટ રમ્યું છે. જો તમે કોઈ પણ વિરામ લીધા વિના દોઢ કે બે કલાક નેટમાં રમી શકો છો, તો તમે દરેક જરૂરિયાત પૂરી કરી રહ્યા છો."

અહેવાલ અનુસાર, આ નિવેદન BCCIને પસંદ ન આવ્યું, કારણ કે બોર્ડ લાંબા સમયથી કોહલી અને રોહિત શર્મા બંનેને ભારતની ODI યોજનાઓનો ભાગ બનતા પહેલા ઘરેલુ ODIમાં ભાગ લેવા માટે આગ્રહ કરી રહ્યું હતું.

રોહિત શર્માની જેમ કોહલી પણ ઉપલબ્ધ

BCCIની નારાજગીની ચર્ચા વચ્ચે, કોહલીએ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (DDCA) ને જણાવી દીધું છે કે તે વિજય હઝારે ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. રોહિત શર્માએ પહેલેથી જ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પોતાની ઉપલબ્ધતા વિશે જાણ કરી દીધી હતી.

DDCAના અધિકારીઓએ આ માહિતીની પુષ્ટિ કરતા કહ્યું કે, "વિરાટે વિજય હઝારે ટ્રોફી માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાનારી મેચોમાં રમશે."

દિલ્હીની ટીમ 24 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશ સામેની મેચથી વિજય હઝારે ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે. કોહલીના આ નિર્ણયને આગામી મોટી ટુર્નામેન્ટ પહેલા તેના ફોર્મ અને ફિટનેસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.