VIDEO: ડેરિલ મિચેલને કેમ ફેંકીને માર્યો બોલ? ભારતની જીત બાદ અર્શદીપ સિંહે કરી સ્પષ્ટતા
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા હવે ICC મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ જાળવી રાખનાર (રિટેન કરનાર), ત્રીજી વખત ટાઈટલ જીતનાર અને ઘરઆંગણે ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે વર્લ્ડ કપ જીતનારા ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયા છે. જુલાઈ 2024માં સુકાન સંભાળ્યા બાદ તેનો અજેય રેકોર્ડ યથાવત છે.
અર્શદીપની સ્પષ્ટતા
ન્યુઝીલેન્ડના રન ચેઝ દરમિયાન ફાઈનલમાં થોડો ડ્રામા પણ જોવા મળ્યો હતો, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે ગરમાગરમી થઈ હતી. 11મી ઓવરના પાંચમા બોલે અર્શદીપે ફોલો-થ્રુમાં બોલ પકડીને સ્ટમ્પ તરફ ફેંક્યો હતો, જે મિચેલના સાથળ પર વાગ્યો હતો. મિચેલ તેના કારણે ગુસ્સે ભરાયો હતો અને અર્શદીપ તરફ ઈશારા કરીને આગળ આવ્યો હતો. સૂર્યકુમારે તાત્કાલિક દખલગીરી કરીને મિચેલને શાંત પાડ્યો હતો. જ્યારે અમ્પાયરે અર્શદીપ સાથે વાત કરી હતી. મેચ પૂરી થયા બાદ અર્શદીપે તરત જ માફી માંગી હતી, આ સિવાય તેણે મેચ પૂર્ણ થયા બાદ પણ મિચેલની માફી માંગી અને તેની સાથે હાથ મિલાવીને તેને સાઈડ હગ કર્યું હતું.
હર્ષા ભોગલે સાથેના ઇન્ટરવ્યુમાં કરી સ્પષ્ટતા
હર્ષ ભોગલે સાથેના ઇન્ટરવ્યુમાં આ ઘટના પર અર્શદીપે કહ્યું, "હું મિચેલને સોરી કહેવા ગયો હતો. જ્યારે મેં બોલ ફેંક્યો ત્યારે તે રિવર્સ સ્વિંગ થયો અને તેને વાગી ગયો હતો." તેણે મેચ વિશે બોલતા કહ્યું, "આ ટીમમાં ઘણા મેચ વિનર્સ છે અને આ પરિણામ સોનામાં સુગંધ ભળવા સમાન છે. એક બોલર તરીકે અમારો રોલ એ જ છે કે જો અમે 250 સ્કોર કરીએ તો વિરોધી ટીમને તેનાથી ઓછામાં રોકવી જરૂરી હતી."
બેટ્સમેનોના વિસ્ફોટે જ જીત નિશ્ચિત કરી દીધી હતી
આ અગાઉ, ભારતીય બેટ્સમેનોએ મેચની લય નક્કી કરી દીધી હતી. સંજુ સેમસને 46 બોલમાં 89 રનની તોફાની ઈનિંગ રમી હતી, જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રનનું યોગદાન આપ્યું હતું. તેમના પાવર-હિટિંગના જોરે ભારતે 255/5નો સ્કોર બનાવ્યો હતો. જે આ ટુર્નામેન્ટનો બીજો સૌથી મોટો અને T20 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. જેમ્સ નીશમે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને રન ગતિ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિવમ દુબેએ 8 બોલમાં અણનમ 26 રન ફટકારી ભારતને 250ને પાર પહોંચાડ્યું હતું.
કિવી ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી
જવાબમાં, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો હતો. પાવરપ્લેમાં જ કિવી ટીમે 52 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેનાથી તેમના જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે પોતાની ફેવરિટ ટીમની છબી જાળવી રાખીને ઐતિહાસિક જીત મેળવી અને 2007 તથા 2024 પછી પોતાનું ત્રીજું T20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું.

