VIDEO: કોણ છે પ્રફુલ હિંગે? જેણે IPL ડેબ્યુમાં રચ્યો ઈતિહાસ, પહેલી જ ઓવરમાં લીધી 3 વિકેટ
IPL 2026માં સોમવારે (13 એપ્રિલ) સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાઈ હતી. ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરી રહેલા 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગેએ પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. IPL 2026ના મિની ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા તેને 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યુ મેચમાં વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને લુઆન ડ્રે પ્રિટોરિયસને શૂન્ય પર આઉટ કરીને IPLમાં ઈતિહાસ રચ્યો હતો.
પ્રફુલ હિંગે કોણ છે?
24 વર્ષીય રાઈટ આર્મ ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે, તે નાગપુરનો રહેવાસી છે. IPL 2026ના ઓક્શન પહેલા પ્રફુલ હિંગેને સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રાયલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની પ્રતિભાને ઓળખ્યા પછી, હૈદરાબાદ દ્વારા તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પ્રફુલ હિંગેની ઘરેલુ કારકિર્દીની વાત કરીએ તો, તેણે 10 ફર્સ્ટ-ક્લાસ મેચ, 6 લિસ્ટ A મેચ અને 2 T20 મેચ રમી છે. તેણે ગયા વર્ષે આંધ્રપ્રદેશ સામે T20 ડેબ્યુ કર્યું હતું, અને હવે તે IPLમાં આ ફોર્મેટમાં તેની બીજી મેચ રમ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 27 વિકેટ લીધી છે અને લિસ્ટ A ક્રિકેટમાં 5 વિકેટ લીધી છે.
બેટ્સમેન બનવા માંગતો હતો, બોલર બન્યો
પ્રફુલ હિંગેનું સ્વપ્ન બેટ્સમેન બનવાનું હતું, પરંતુ તેના પિતાએ તેની ઊંચાઈને ધ્યાનમાં રાખીને તેને બોલર બનવાની સલાહ આપી. આ પછી તેણે પાછળ ફરીને જોયું નથી, પ્રફુલ હિંગે 2022થી ચેન્નાઈમાં MRF પેસ ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે અને 2024માં 15 દિવસના કેમ્પ માટે બ્રિસ્બેન ગયો હતો. ઈશાન કિશને જાહેરાત કરી હતી કે તેને પંજાબ કિંગ્સ સામેની મેચમાં સામેલ કરવામાં આવશે, પરંતુ બાદમાં ઇમ્પેક્ટ પ્લેયર લિસ્ટમાંથી જયદેવ ઉનડકટને સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, આ મેચમાં પ્રફુલ હિંગે મળેલી તકનો ઉપયોગ કરીને સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. તેણે મેચમાં તેના 4 ઓવરના સ્પેલમાં 34 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

