ફાઈનલમાં મેચ વિનિંગ ઈનિંગ રમ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ ટીકાકારોને આપ્યો જવાબ, કહ્યું- 'લોકોને માહિતી નથી...'

ઈન્ડિયા-A ક્રિકેટ ટીમે રવિવારે (21 જૂન) દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકા-A ટીમને 66 રને હરાવીને ટ્રાઈ સિરીઝ પર શાનદાર કબજો જમાવી લીધો છે. ભારતીય ટીમની આ ખિતાબી જીતનો અસલી હીરો ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. જેણે પાવરપ્લેમાં જ મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. વૈભવે 324.14ના સ્ટ્રાઇક રેટથી માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઈનિંગ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ વિસ્ફોટક પ્રદર્શન બદલ વૈભવ સૂર્યવંશીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
દબાણ વગર રમ્યો અને કોચની સલાહથી પ્લાન સફળ કર્યો
ખિતાબી જીત બાદ 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગ સ્ટાઇલ અને રણનીતિ અંગે ખુલીને વાત કરી હતી. વૈભવે જણાવ્યું હતું કે, બેટિંગ કરતી વખતે તે કોઈ મોટા દબાણમાં નહતો અને તેનું ધ્યાન માત્ર શરૂઆતની 10 ઓવરનો મહત્તમ લાભ ઉઠાવવા પર હતું. તેણે સ્વીકાર્યું કે, શરૂઆતની મેચોમાં તેની યોજનાઓ સફળ નહતી થઈ રહી, પરંતુ તેણે કોચ સાથે ચર્ચા કરી અને નેટ્સમાં તેના પર સખત મહેનત કરી હતી. આ આયોજન આખરે ફાઈનલ મેચમાં સફળ સાબિત થયું અને ટીમ માટે વિજયી ઈનિંગ જોવા મળી હતી.
લાંબી ઈનિંગ્સ રમવા અંગે ટીકાકારોને આપ્યો મસમોટો જવાબ
તાજેતરના દિવસોમાં ક્રિકેટ જગતમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો વૈભવ 50 ઓવરના ક્રિકેટ ફોર્મેટમાં લાંબી ઈનિંગ્સ કેવી રીતે રમી શકશે. આ સવાલ પર હસતાં હસતાં પ્રતિક્રિયા આપતા વૈભવે કહ્યું કે, તેણે આ સિરીઝમાંથી ઘણું શીખ્યું છે, પરંતુ તે અગાઉ પણ 50 ઓવરનું ક્રિકેટ ઘણું રમી ચૂક્યો છે, જેની લોકોને કદાચ માહિતી નથી. જુદી જુદી પિચો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમવું પડકારજનક હતું, છતાં તેણે આ પડકારનો ભરપૂર આનંદ લીધો હતો.
IPL બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ પ્રબળ સંભાવના
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં પોતાના રેકોર્ડતોડ પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી સતત લાઈમલાઈટમાં છે. હવે આ ખિતાબી ઈનિંગ બાદ તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વૈભવ હવે આગામી સમયમાં ભારતીય ટીમ સાથે પહેલા આયર્લેન્ડ અને ત્યારબાદ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. રમતગમતના વિશ્લેષકોના મતે, આયર્લેન્ડના પ્રવાસ દરમિયાન જ વૈભવ સૂર્યવંશીનો ઈન્ટરનેશનલ ડેબ્યુ થવાની પ્રબળ સંભાવના છે, જ્યાં ફેન્સ ફરી એકવાર તેની મોટી મેચ-વિનિંગ ઈનિંગ જોવાની આશા રહેશે.

