જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો, 14 હજાર રનનો આંકડો પાર કર્યો, જાણો સચિન તેંડુલકરના રેકોર્ડથી છે કેટલો દૂર

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક હાંસલ કરી છે. ઓવલ ખાતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે, રૂટે ટેસ્ટ ક્રિકેટમાં જાદુઈ 14,000 રનનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે, તે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 14,000 રન બનાવનાર વિશ્વનો માત્ર બીજો અને ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં તે ફક્ત મહાન સચિન તેંડુલકરથી પાછળ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ક્લબમાં પ્રવેશ
અત્યાર સુધી, ભારતનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ટેસ્ટ ફોર્મેટમાં 14,000થી વધુ રન બનાવનાર ક્રિકેટમાં એકમાત્ર ખેલાડી હતો. હવે, ટેસ્ટ ક્રિકેટના લગભગ 149 વર્ષના ઈતિહાસમાં, જો રૂટ આ વિશિષ્ટ અને ઉચ્ચ કક્ષાના ક્લબમાં જોડાનાર બીજો બેટ્સમેન બન્યો છે. સચિન તેંડુલકરે આ સિદ્ધિ પોતાની 279મી ઈનિંગમાં હાંસલ કરી હતી, જ્યારે જો રૂટે 302 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જોકે, મેચોની વાત કરીએ તો, રૂટે સચિન કરતા ઓછી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. સચિને આ સિદ્ધિ હાંસલ કરવા માટે 171 મેચનો સમય લીધો હતો, જ્યારે રૂટે 165 ટેસ્ટ મેચનો સમય લીધો હતો.
તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવાથી કેટલો દૂર છે?
જો રૂટે આ મેચની બીજી ઈનિંગમાં 77 રન બનાવીને આઉટ થયો હયો. આ 77 રન સાથે તેનો કુલ ટેસ્ટ સ્કોર 14,075 પર પહોંચી ગયો છે. સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જેણે તેની કારકિર્દીમાં કુલ 15,921 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે જો રૂટને આ વિશ્વ રેકોર્ડ તોડવા માટે હજુ 1847 રનની જરૂર છે. રૂટ ફક્ત 35 વર્ષનો છે, તેથી જો તેનું ફોર્મ ચાલુ રહે, તો તે ભવિષ્યમાં આ ઐતિહાસિક રેકોર્ડને પોતાનો બનાવી શકે છે.

