વૈભવે 52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો નવો વિશ્વ વિક્રમ, જાણો કેટલા રેકોર્ડ તોડ્યા?

એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ટૂર્નામેન્ટ અંતર્ગત મંગળવારે (24 નવેમ્બર) દોહાના યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત-એ (India-A) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં ભારતે યુએઈને 7 વિકેટે કારમો પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા યુએઈએ 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત-એ ટીમે માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 254 રન બનાવી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતના 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.
યુએઈ તરફથી ભાટિયાની સદી, અરશદની 4 વિકેટ
દોહામાં રમાયેલી આ મેચમાં ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુએઈની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 249 રન બનાવ્યા હતા. યુએઈ તરફથી હરપ્રીત સિંહ ભાટિયાએ સૌથી વધુ 130 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી, જોકે વૈભવની તોફાની બેટિંગ સામે તેમની આ સદી સાવ એળે ગઈ હતી. ભારત તરફથી બોલિંગમાં અરશદ ખાને શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
52 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો નવો વિશ્વ વિક્રમ
'બેબી બોસ' તરીકે જાણીતા વૈભવ સૂર્યવંશીએ ભારત-એ તરફથી રમતા માત્ર 52 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરીને લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. વૈભવે કુલ 53 બોલનો સામનો કરીને 204 રનની અવિશ્વસનીય ઇનિંગ રમી હતી, જેમાં 28 ગગનચુંબી છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પ્રોફેશનલ ક્રિકેટની કોઈ એક મેચમાં આટલા છગ્ગા ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. અંતે યુએઈના કેપ્ટન બાસિલ હમીદે વૈભવને આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો.
14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન બનાવીને મેચ જીતી લીધી
250 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત-એ ટીમે 15 ઓવર પૂરી થાય તે પહેલા જ 14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વૈભવ સાથે ઓપનિંગમાં આવેલો અભિષેક શર્મા નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો, જોકે બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 21 બોલમાં 68 રનની ઝડપી ભાગીદારી નોંધાઈ હતી. ત્રીજા નંબરે બેટિંગમાં આવેલો પ્રભસિમરન સિંહ પણ માત્ર 3 રન બનાવીને જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને રિંકુ સિંહે મળીને ત્રીજી વિકેટ માટે 43 બોલમાં 137 રનની તોફાની ભાગીદારી કરી ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. વૈભવ 204 રન બનાવીને આઉટ થયા બાદ રિંકુ સિંહ અને કુમાર કુશાગ્રએ 9 બોલમાં અણનમ 9 રનની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યો હતો.
લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી (બોલના આધારે)
વૈભવ સૂર્યવંશીએ 52 બોલમાં બેવડી સદી ફટકારીને ન્યૂઝીલેન્ડના ચેડ બોવેસનો 103 બોલનો જૂનો રેકોર્ડ લગભગ અડધા બોલમાં તોડી નાખ્યો છે.
52 વૈભવ સૂર્યવંશી ભારત-એ વિરુદ્ધ યુએઈ, 2026
103 ચેડ બોવેસ કેન્ટરબરી વિરુદ્ધ ઓટાગો, ક્રાઇસ્ટચર્ચ 2024
114 એન. જગદીશન તમિલનાડુ વિરુદ્ધ અરુણાચલ, બેંગલુરુ 2022
114 હેરી બ્રુક ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, રાવલપિંડી 2026
પ્રોફેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા
વૈભવે આ ઇનિંગમાં 28 છગ્ગા ફટકારીને પ્રોફેશનલ ક્રિકેટમાં તન્મય અગ્રવાલનો 26 છગ્ગાનો વિક્રમ તોડ્યો છે.
28 વૈભવ સૂર્યવંશી ભારત-એ વિરુદ્ધ યુએઈ, 2026
26 તન્મય અગ્રવાલ હૈદરાબાદ વિરુદ્ધ અરુણાચલ, હૈદરાબાદ 2024 (રણજી)
23 કોલિન મુનરો ઓકલેન્ડ વિરુદ્ધ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, નેપિયર 2015 (પ્લંકેટ શીલ્ડ)
23 ડાર્સી શોર્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વીન્સલેન્ડ, સિડની 2018 (વન-ડે કપ)
લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા
28 વૈભવ સૂર્યવંશી ભારત-એ વિરુદ્ધ યુએઈ, 2026
23 ડાર્સી શોર્ટ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વીન્સલેન્ડ, સિડની 2018
21 બેવોન જેકબ્સ ઓકલેન્ડ વિરુદ્ધ ઓટાગો, ઓકલેન્ડ 2026
28 બોલમાં સદી ફટકારી જેક ફ્રેઝર-મેકગર્કનો રેકોર્ડ તોડ્યો
બેવડી સદી પહેલા વૈભવે માત્ર 28 બોલમાં 14 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી સદી છે. તેણે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેણે વર્ષ 2023માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તસ્માનિયા સામે 29 બોલમાં સદી ફટકારી હતી.
સૌથી ઝડપી લિસ્ટ-એ સદી (બોલના આધારે)
28 વૈભવ સૂર્યવંશી, ભારત-એ વિરુદ્ધ યુએઈ 2026
29 જેક ફ્રેઝર-મેકગર્ક સાઉથ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તસ્માનિયા એડિલેડ 2023
31 એબી ડી વિલિયર્સ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ જોહાનિસબર્ગ 2015
32 સકીબુલ ગની બિહાર વિરુદ્ધ અરુણાચલ રાંચી 2025
33 ઈશાન કિશન ઝારખંડ વિરુદ્ધ કર્ણાટક અમદાવાદ 2025
પ્રથમ ઓવરથી જ યુએઈના બોલરો પર તૂટી પડ્યો વૈભવ
ભારત-એની ઇનિંગની શરૂઆતથી જ વૈભવ સૂર્યવંશીએ પોતાના આક્રમક તેવર બતાવવાના શરૂ કરી દીધા હતા. તેણે પ્રથમ ઓવરમાં ઝાહિદ અલીના બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ બીજી ઓવરમાં ઇબરાર અહેમદ સામે બે છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો હતો. યુએઈના બોલર બાસિલ હમીદની ત્રીજી ઓવરમાં વૈભવે વધુ ત્રણ છગ્ગા ફટકારીને 8 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. અડધી સદી બાદ પણ તેનું આક્રમણ અટક્યું નહોતું અને તેણે સદી તેમજ બેવડી સદી સુધીની સફર પૂરી કરી હતી.
વૈભવ સૂર્યવંશીની પ્રોફેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીઓ (બોલના આધારે)
28 ભારત-એ વિરુદ્ધ યુએઈ દોહા 2026 (લિસ્ટ-એ)
32 ભારત-એ વિરુદ્ધ યુએઈ દોહા 2025 (ટી20)
35 રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, જયપુર 2025 (ટી20)
36 બિહાર વિરુદ્ધ અરુણાચલ રાંચી 2025 (લિસ્ટ-એ)
36 રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ જયપુર 2026 (ટી20)
58 બિહાર વિરુદ્ધ મહારાષ્ટ્ર કોલકાતા 2025 (ટી20)
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન (Playing XI)
ભારત-એ: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, હર્ષ દુબે, હર્ષિત રાણા અને અરશદ ખાન.
સંયુક્ત આરબ અમીરાત (UAE): આર્યાંશ શર્મા, અંશ ટંડન, હરપ્રીત સિંહ ભાટિયા, મુહમ્મદ શાહદાદ, એમ. આફતાબ આલમ (વિકેટકીપર), બાસિલ હમીદ (કેપ્ટન), ઈથન ડિસોઝા, ઉદિશ સૂરી, ઇબરાર અહેમદ, સિમરનજીત સિંહ અને ઝાહિદ અલી.







