IPL 2026 વિવાદ પર ટ્રેવિસ હેડનો સ્પષ્ટ ખુલાસો: વિરાટ કોહલી સાથેના સંબંધો અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર કહી આ મોટી વાત

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડે આઈપીએલ 2026 દરમિયાન વિરાટ કોહલી સાથે થયેલા વિવાદ અને ત્યારબાદ થયેલી સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર પહેલીવાર ખુલીને વાત કરી છે. હેડે એ તમામ અટકળોને ફગાવી દીધી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ તેમના અને વિરાટ કોહલીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
વાસ્તવમાં મેચ પૂરી થયા પછી કેમેરામાં એક એવો સીન કેદ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે વિરાટ કોહલીએ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો ન હતો. આ પછી સોશિયલ મીડિયા પર બંને ખેલાડીઓ વચ્ચે અણબનાવના સમાચાર ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયા હતા. જોકે હવે હેડે પોતે આ સમાચારોને તદ્દન પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. હેડે કહ્યું કે વિરાટ કોહલી સાથે તેમના સંબંધો સામાન્ય છે અને કોઈપણ પ્રકારના વિવાદની વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે.
તેણે કહ્યું, "મને નથી લાગતું કે પેચ-અપ (સમાધાન) કરવા જેવું કંઈ છે. એવી કોઈ વાત જ નથી. ટૂર્નામેન્ટ જેવી ચાલી, બધું એ રીતે જ થયું. આમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નહોતી." હેડના આ નિવેદન બાદ વિરાટ અને તેની વચ્ચેના વિવાદની તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. હેડે જણાવ્યું કે મેદાન પર બનતી ઘટનાઓને તે એક વ્યાવસાયિક (પ્રોફેસરલ) ખેલાડી તરીકે સંભાળી લે છે, પરંતુ જ્યારે સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ ખૂબ અલગ થઈ ગઈ.
ટ્રેવિસ હેડનું દર્દ છલકાયું
તેણે કહ્યું, "જેસિકા અને હું વસ્તુઓને યોગ્ય નજરિયાથી જોઈએ છીએ. અમે જાણીએ છીએ કે આ એ જ દુનિયાનો એક ભાગ છે જેમાં અમે રહીએ છીએ. પરંતુ અસલી મુશ્કેલી ત્યારે થઈ, જ્યારે મામલો પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચી ગયો. તે લોકો આવી વસ્તુઓ જોવા માટે ટેવાયેલા નથી. વિવાદ દરમિયાન ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડને પણ સોશિયલ મીડિયા પર ઘણી વાંધાજનક મેસેજ મળ્યા હતા.
ટ્રેવિસ હેડે કહ્યું કે તેની પત્નીએ આખા મામલાને ખૂબ જ પરિપક્વતા (મેચ્યોરિટી) સાથે સંભાળ્યો. તેણે ઉમેર્યું, "કેટલાક દિવસો પછી લોકો બધું ભૂલી જાય છે. જેસિકાએ આ આખા મામલાને રીતે સંભાળ્યો. અસલી પડકાર એ હોય છે કે પરિવારના બાકીના સભ્યો આ વસ્તુઓને કઈ રીતે લે છે." હેડે સ્પષ્ટ સંકેત આપ્યો કે ખેલાડીઓની ટીકા રમતનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર નિશાનો બનાવવો યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2026ના ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સ (GT)ને હરાવીને લગાતાર બીજી વાર IPL ટ્રોફી પોતાના નામે કરી હતી.
ટ્રેવિસ હેડના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મેદાન પર થતી સ્પર્ધા અને સોશિયલ મીડિયા પર બનાવાતી વાર્તાઓ હંમેશાં સાચી નથી હોતી. તેણે ના માત્ર વિરાટ કોહલી સાથેના કોઈ પણ વિવાદનો અસ્વીકાર કર્યો, પરંતુ એ પણ બતાવ્યું કે ખેલાડીઓના પરિવારોએ ઓનલાઇન નફરતનો સામનો કરવો પડે છે તે રમતની સૌથી કમનસીબ વાસ્તવિકતાઓમાંથી એક છે.

