'...તો હું મરી ગયો હોત', તિલક વર્માને થઈ હતી જીવલેણ બીમારી, આટલા વર્ષો પછી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

એશિયા કપ 2025 ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તિલક વર્માએ તાજેતરમાં જ પોતાની જીવલેણ બીમારી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. 2022માં ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન, તે આ બીમારી સામે લડી રહ્યો હતો. આ સિરીઝની એક મેચ દરમિયાન, તેનું શરીર સંપૂર્ણપણે કડક થઈ ગયું હતું અને તેની આંગળીઓ કામ નહતી કરતી. ત્યારબાદ, તેના ગ્લવ્સ કાપીને તેનો હાથ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તે સમયે BCCI સચિવ જય શાહ અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીના પ્રયાસોને કારણે, તિલકને સમયસર સારવાર મળી શકી.
તિલક વર્માએ ગંભીર બીમારીનો ખુલાસો કર્યો
બ્રેકફાસ્ટ ઓફ ચેમ્પિયન્સના તાજેતરના એપિસોડમાં બોલતા, તિલક વર્માએ ખુલાસો કર્યો, "મુંબઈ ઈન્ડિયન્સ માટે મારી પહેલી IPL સિઝન રમ્યા પછી, મને એક ગંભીર બીમારી થઈ, જોકે મેં આજ સુધી તેના વિશે વાત નથી કરી. મને રેબડોમાયોલિસિસ નામની જીવલેણ બીમારી હોવાનું થઈ હતી, જે હાડકાના નુકશાનનું કારણ બને છે. તે સમયે, હું ઘરેલુ ક્રિકેટ અને A-લેવલ સિરીઝ રમતી વખતે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું સંપૂર્ણપણે ફિટ રહેવા માંગતો હતો. આરામ કરવાને બદલે, હું જીમમાં રહેતો હતો. હું સૌથી ફિટ અને બેસ્ટ ફિલ્ડર બનવા માંગતો હતો."
તિલક વર્માએ આગળ કહ્યું, "મેં બરફથી સ્નાન કર્યું અને સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો. સ્નાયુઓ પર ભારે દબાણ હતું, અને અંતે, તે ફાટી ગયા. મારી નસ પણ ખૂબ જ કડક થઈ ગઈ હતી. બાંગ્લાદેશમાં તે સમય દરમિયાન, મેં સદી ફટકારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ અચાનક મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને મારી આંગળીઓએ કામ કરવાનું બંધ કરી દીધું. બધું પથ્થર જેવું લાગતું હતું. તે પછી, મારે મેદાન છોડવું પડ્યું. મારી આંગળીઓ કામ નહતી કરી રહી, જેના કારણે મારા ગ્લવ્સ કાપી નાખવા પડ્યા હતા."
જય શાહ અને આકાશ અંબાણીનો આભાર માન્યો
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીને તિલક વર્માની બીમારી વિશે ખબર પડી, ત્યારે તેણે તરત જ જય શાહનો સંપર્ક કર્યો. આ અંગે તિલક વર્માએ કહ્યું, "મુંબઈ ઈન્ડિયન્સ અને જય શાહનો આભાર, તેમણે તરત જ મને હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરોએ કહ્યું કે જો વધુ સમય થયો હોત, તો મારો જીવ જઈ શક્યો હોત. IV સોય પણ ઈન્જેક્ટ કરતી વખતે તૂટી રહી હતી. હોસ્પિટલમાં મારી હાલત ખૂબ જ ખરાબ હતી. તે સમયે મારી માતા મારી સાથે હતી."

