VIDEO: ઈજાગ્રસ્ત વિરાટ કોહલીની જગ્યાએ આ ખેલાડીને મળ્યું ODI ટીમમાં સ્થાન, રોહિત અને હાર્દિક પર હજુ પણ છે સસ્પેન્સ
IPL 2026ની ધમાકેદાર ફાઈનલ પૂરી થયા બાદ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. એવામાં આગામી 13 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી 3 મેચોની ODI સિરીઝમાંથી વિરાટ કોહલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. કિંગ કોહલીની જગ્યાએ હવે ટીમમાં વિસ્ફોટક યુવા બેટર યશસ્વી જયસ્વાલની એન્ટ્રી થઈ છે. બીજી તરફ, રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમશે કે નહીં, તેનો નિર્ણય તેમના ફિટનેસ ટેસ્ટના રિપોર્ટ પર આધાર રાખશે.
IPL ફાઈનલ જીતાડી પણ હવે ઈજા નડી
વિરાટ કોહલી, જે હવે માત્ર ODI ફોર્મેટમાં જ ભારત તરફથી રમે છે, તે IPL 2026ની ફાઈનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતાડવા માટે મેદાનમાં ઝઝૂમી રહ્યો હતો. તેને અણનમ 75 રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી, પરંતુ આ મેચ દરમિયાન જ તેની જમણી હેમસ્ટ્રિંગ એટલે કે પગના સ્નાયુની ઈજા ગંભીર બની ગઈ હતી. આ ઈજા વધી જવાના કારણે જ તેને અફઘાનિસ્તાન સામેની સિરીઝ ગુમાવવી પડી છે.
ઈંગ્લેન્ડ સામે રમાનારી સિરીઝ પહેલા વિરાટ સાજો થાય તેવી આશા
મુંબઈમાં BCCI હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે કોહલીની ઈજા પર મોટું અપડેટ આપતા જણાવ્યું છે કે, IPL ફાઈનલમાં વિરાટને ઈજા થઈ તેને હજી એક અઠવાડિયા જેટલો જ સમય થયો છે. ફિઝિયો તરફથી હજી સુધી કોઈ ચોક્કસ ટાઈમલાઈન નથી મળી, તેથી આ કોઈ ફાઈનલ સ્ક્વોડ નથી. જોકે, એવી આશા છે કે વિરાટ જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી ODI સિરીઝ સુધીમાં સંપૂર્ણ ફિટ થઈ જશે.
કોહલીની જગ્યાએ યશસ્વીની એન્ટ્રી!
વિરાટ કોહલીની જગ્યાએ ટીમમાં સામેલ થયેલા યશસ્વી જયસ્વાલે પોતાની છેલ્લી ODI મેચ 6 ડિસેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે રમી હતી. તે મેચમાં જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 121 બોલમાં અણનમ 116 રન ફટકાર્યા હતા, જે તેની ODI કરિયરની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. હવે તેને ફરી એકવાર ODI ક્રિકેટમાં પોતાનો દમ બતાવવાની મોટી તક મળી છે.
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સસ્પેન્સ
ટીમ ઈન્ડિયા માટે અત્યારે ફિટનેસ સૌથી મોટો પડકાર બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL 2026 રમતી વખતે હેમસ્ટ્રિંગની ઈજાના કારણે કેટલીક મેચો ગુમાવનાર રોહિત શર્મા આગામી 2થી 3 દિવસમાં બેંગલુરુની 'BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે ફિટનેસ ક્લિયરન્સ માટે રિપોર્ટ કરશે.
બીજી તરફ, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠની ઈજાના કારણે IPLની કેટલીક મેચોમાંથી બહાર રહ્યો હતો અને તે ગત 2 જૂનથી જ બેંગલુરુના CoE સેન્ટરમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. અજીત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે, "અમે ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે સામાન્ય પ્રક્રિયા જ ફોલો કરીએ છીએ. અમે રોહિત અને હાર્દિકના ફાઈનલ ફિટનેસ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છીએ."
અફઘાનિસ્તાન સામે 13, 17 અને 20 જૂન એમ 3 ODI મેચ રમાશે. આ સિરીઝ બાદ ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરાશે.

